મસ્કા ખૂનકેસમાં સ્થાનિકે કડીનો અભાવ : આરોપી બારાતુ હોવાની આશંકા

કોડાય (તા. માંડવી), તા. 16 : તાલુકાના મસ્કા ગામે આશિષ ચન્દ્રકાંત જોશીની ગોળી મારીને સરાજાહેર કરાયેલી હત્યાના મામલામાં આરોપીઓ વિશે સ્થાનિકેથી કોઇ જ કડીઓ હજુ પ્રાપ્ત ન થતાં આ કૃત્યને અંજામ આપનારા બારાતુ હોવાનું અને તેઓ જિલ્લો છોડીને નાસી ગયા હોવાની શંકા સપાટી  ઉપર આવી છે.  ખૂનકેસના તપાસનીસ પોલીસ ઇન્સ્પેક્ટર એ.એલ. મહેતાનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે સર્વગ્રાહી છાનબીન હજુ અવિરત રખાઇ છે. અલબત્ત કોઇ ચોક્કસ સુરાગ હજુ મળ્યો નથી. હત્યાને અંજામ આપનારા વિશે સ્થાનિકેથી કોઇ પગેરૂં ન મળતું હોવાથી તેઓ બહારના વતની હોવાની સંભાવના પણ જોવાઇ રહી છે.  બીજી બાજુ મૃતકની કોલ ડિટેઇલ તથા સબંધિતોની પૂછતાછમાંથી પણ કેસનો તાગ મેળવી શકાય તેવો કોઇ સુરાગ મળ્યો ન હોવાનું તપાસનીસ ટુકડીને સંલગ્ન સૂત્રોએ જણાવ્યું  હતું.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer