કાંઠાળ કચ્છના 10 હજાર લોકોનું સ્થળાંતર

કાંઠાળ કચ્છના 10 હજાર લોકોનું સ્થળાંતર
ભુજ, તા. 11 :`વાયુ' વાવાઝોડાના કહેરને કારણે કોઇ જાનહાનિ ન થાય એ માટે કચ્છના કલેક્ટર રેમ્યા મોહને આજે મોડીસાંજે તમામ પ્રાંત અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ યોજીને કાંઠાળ વિસ્તાર નજીકના ગામોના 10 હજાર લોકોનું સ્થળાંતર કરવાની સૂચના આપી હતી, તો જખૌ બંદરના 350 માછીમારોને જખૌ ગામમાં સલામત સ્થળે આજે જ લઇ આવવામાં આવ્યા હતા, જ્યારે માંડવી વિન્ડફાર્મ પર આજે સાંજથી લોકોની અવરજવર પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો હતો. કલેક્ટર રેમ્યા મોહને રાત્રે કચ્છમિત્ર સાથે વાત કરતાં વધુ વિગતો આપી હતી. તેમણે કહ્યું કે, ભૂતકાળમાં કચ્છના વાવાઝોડાના અનુભવ અને હાલમાં ઓરિસ્સામાં આવેલા ફાની વાવાઝોડાની અસરને જોતાં ક્યાંય કોઇ વ્યક્તિ કે પશુઓના જાન જોખમમાં ન મુકાય એટલે ક્યાંય કચાશ રહે નહીં તે માટે જિલ્લાના  પ્રાંત અધિકારીઓને નિર્ણય લેવાની સત્તા આપવામાં આવી હતી. મોડીસાંજે વીડિયો કોન્ફરન્સ દ્વારા તેમણે કાંઠાળ વિસ્તારના માંડવી, મુંદરા, અબડાસા, લખપત સહિતના તાલુકાઓના દરિયાકિનારાના નજીકના ગામોની યાદી બનાવી ક્યાં કેટલા લોકોને સલામત સ્થળે ખસેડવા પડે તેમ હોવાની માહિતી માગી હતી. કલેક્ટરે કહ્યું કે, અંદાજિત 10 હજાર લોકોને ચક્રવાતની અસર તાત્કાલિક થઇ શકે તેમ હોવાથી આવતીકાલે સવારે સ્થિતિ જોતાં સલામત સ્થળે ખસેડી લેવા તાકીદ કરી હતી. વિશેષમાં તેમણે કહ્યું કે, ન માત્ર?ગ્રામ્ય કે કાંઠાળ વિસ્તાર શહેરી વિસ્તાર, રણ વિસ્તારમાં પણ અસર થઇ?શકે છે એથી શાળા-કોલેજોમાં ત્રણ દિવસની રજા જાહેર કરી દેવામાં આવી છે. એન.ડી.આર.એફ.ની ટીમો આવી ચૂકી છે પણ તેમ છતાં સીમાસુરક્ષા દળ, લશ્કરના જવાનોની ટુકડીઓ તૈયાર કરી કાલે જ્યાં જરૂર હશે ત્યાં રવાના કરવામાં આવશે. ઓરિસ્સામાં અગાઉથી જ લોકોને સલામત સ્થળે ખસેડી લેવામાં આવ્યા હોવાથી મરણઆંક અટકાવી શકાયો હતો તે અનુભવને કામે લગાડવામાં આવશે. ઉપરાંત અધિક કલેક્ટર કુલદીપસિંહ ઝાલાએ વિશેષ માહિતી આપતાં કહ્યું કે, અંદાજિત 10 હજાર લોકોની યાદી 53 ગામોમાંથી તૈયાર કરવામાં આવી છે. જખૌ બંદરને બાદ કરતાં બાકીના તમામ ગામોમાં સવારે સ્થિતિ જોઇ સ્થળાંતર કરવાની સૂચના જે તે પ્રાંત અધિકારીઓને આપી દેવામાં આવી છે. બીજી બાજુ સંસ્થાઓને ફૂડ પેકેટ બનાવવા પણ જણાવાયું છે. અબડાસાના પ્રાંત અધિકારી શ્રી ઝાલાને પૂછતાં તેમણે જણાવ્યું કે, જખૌ બંદરના 350 માછીમારોને બંદર ખાલી કરવા જણાવાયું અને આ તમામ 350 માછીમારોને જખૌ ગામમાં સ્થળાંતર કરાવાયા છે. તે ઉપરાંત અબડાસાના 22 ગામોના બે હજાર લોકોને કાલે સવારે ગામ ખાલી કરી સલામત સ્થળે લઇ જવામાં આવશે. લખપત મામલતદાર એન. એસ. ભાટી તેમજ નખત્રાણા પ્રાંતના શિરસ્તેદાર ભાવેશભાઇ ધનાણી તેમજ લખપત ટીડીઓ મયૂરભાઈ પટેલે આજે લખપત તાલુકાના દરેક ગામમાં જઇને સૂચનાઓ આપી હતી અને `વાયુ' વાવાઝોડા સામે શું તકેદારીઓ રાખવી તે લોકોને સમજાવ્યું અને કાચા મકાનોનો સર્વે કર્યો હતો તેમજ તા.માં મજબૂત મકાનોમાં 301 પરિવારને ખસેડવા પડે તેવું જણાતાં 20 ગામના 301 પરિવારોને આવતીકાલે ખસેડવામાં આવશે તેવું જણાવ્યું હતું. નારાયણ સરોવર અન્નક્ષેત્ર ભોજનાલયને પણ ફૂડ પેકેટ માટે કહેવામાં આવ્યું હતું. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer