50 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર બન્ની દુકાળથી ડરી નથી

50 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર બન્ની દુકાળથી ડરી નથી
નવીન જોશી દ્વારા-  સેરેવો-સરાડો (બન્ની, તા. ભુજ), તા. 11 : તીક્ષ્ણ કાંટાળા લાખો નખ્ખોદિયા બાવળિયાઓની વચ્ચેથી ફૂંફાડા મારતા અને લોટ જેવી ઝીણી ચીકણી માટી ઉડાવતા નગમનાગા પવનોના પ્રદેશ બન્નીમાં ત્રણ-ત્રણ ચોમાસાં વાંઝિયાં ગયાં હોય તો સ્થિતિ કેવી દારૂણ હોય ?માલધારીઓના ભૂંગા અને અર્ધા ફૂટબોલના મેદાન જેવા આંગણા ખાવા ધાતા હોય, બાવળની ઝડુંથી ભૂંગાના બારણા ઠસોઠસ વાંસેલા હોય અને વચ્ચોવચ્ચ સાણસી ભરાવેલી હોય, જ્યાં દૂઝણા માલઢોરની ડોકે ઘંટડીયું રણકતી હોય તેવા વાડાઓની વાડ વેર-વિખેર હોય, ઘર શું કે ફળિયું શું જીવમાત્રનું નામોનિશાન ન હોય અને વાંઢની  દક્ષિણ- ઉત્તરે મૃત ઢોરનાં પિંજર પડયાં હોય, જેના પર ગીધ, સમડી અને કાગડાઓના આંટાફેરા થતા હોય, ધીંગા ધીગાં હાડકાં તીક્ષ્ણ ધારવાળી ચાંચથી ખોદાતા હોય અને સડેલા મૃતદેહની દુર્ગંધ માથું ફાડી નાખતી હોય.. માલધારીનું નામોનિશાન ન હોય અને જે કોઈ સામે મળે એ સુન્ન હોય, ભૂતાવળ વચ્ચે માંડ માણસ દેખાય અને વિશ્વાસ ન આવે તેમ એ પણ જોયા જ કરે, કંઈ બોલે નહીં અને બોલે તો માત્ર એટલું જ `મડે લડે વ્યા' (અર્થાત બધા જ ભાગી ગયા !) પણ આ દુકાળમાં એવું નથી, વિતેલા 50-60 વર્ષના દુકાળના ઈતિહાસમાં ન બન્યું હોય તેવું આ દુકાળમાં બન્યું છે. ઓછામાં ઓછા 40થી 45 હજાર ઢોર સાથે હિજરત કરીને વતન છોડી ગયેલા માલધારીઓ પૈકીના સાતેક હજાર જણ 30 હજારથી વધુ ઢોર સાથે વગર વરસાદે પણ આવી ગયા છે... રમઝાનની રોનક આજેય એમના ચહેરા ચમકાવે છે. માલધારી, માલ, ઘાસ, પાણી, રોજી, રેટી, ધબકાર અને જીવતરના તમામ રંગ બન્નીમાં રેલાય છે અને કાળમુખાનું નામોનિશાન કયાંયે નથી. `કચ્છમિત્ર'ની ટીમે કારમા દુકાળમાં બેનમૂન બન્ની કયાં કયાં બેરંગ બની એ જાણવા-જોવાના ઉદ્દેશથી આજે સવારે ઉગમણી બન્નીના દદ્ધર, લખાબો, ખારોડ, બેરડો, મિસરિયાડો, ઉડઈ અને ભોજરડો ત્યાંથી ભિરંડિયારા થઈને ધોરડો સુધીના મધ્ય બન્નીના સાડઈ, હોડકો, ડુમાડો, ગોરેવલી, ધોરડો, મીઠડી અને ત્યાંથી પરત હોડકો થઈને આથમણી બન્ની કે જે જતપટ્ટી તરીકે પણ ઓળખાય છે ત્યાંના સરાડો, સેરવો, ભગાડિયા, બરિકલ, ભિટારા, લુણા, હાજીપીર સુધીનો વિસ્તૃત પ્રવાસ કર્યો તો કયાંયે કોઈપણ ગામ-વાંઢમાં બંધ ઘર, ભૂંગા ન મળ્યા. કયાંયથી પીવાના પાણીની રાડ કે ઘાસની ફરિયાદ ન મળી. મરી રયાશીં... મિશ્કીન ઐયું.. એવા ઉદ્દગાર સાંભળવા અનેક જણને ઊભા રાખ્યા પણ તે પૈકી કોઈની પાસે ટાઈમ નહોતો, એકપણ મનરેગાનું કામ બન્નીમાં નથી અને છતાં માલધારીઓનો આ વિશિષ્ટ ભાત-છાપવાળો આખેઆખો પ્રદેશ વાયબ્રન્ટ હતો. ફરિયાદ, રાડ કયાંયથી ન્હોતી એ એક ઐતિહાસિક ઘટના ગણી શકાય કારણ કે, વિતેલા ત્રણ દાયકા દરમ્યાન પત્રકારત્વના લીધે જ્યારે જ્યારે આ માલ-ઢોરના મુલકમાં જવાનું થયું ફરિયાદ તો થતી જ હોય ! ભુજથી અંદાજે 80 કિ.મી. દૂર મધ્ય બન્નીના ગામડાઓ તો  રણોત્સવના સહારે આર્થિક રીતે સાધનસંપન્ન થઈ ગયા છે. હોલી ડે રિસોર્ટ, વિલેજ, હાઉસ એવા અનેક નામો સાથે પ્રવાસન ઉદ્યોગમાં આ લોકો જોડાયા છે. આજે તેમને 600 રૂા. રોજ પર કડિયો મળતો નથી અને મજૂરોની શી વાત કરવી? રૂા. 300થી 350 દેતાં માંડ મજૂર મળે છે જે આદિવાસી હોય છે કારણ કે મૂળ બન્નીનો શ્રમિક તો હવે તજજ્ઞ છે અને પોતાના હાથ નીચે મજૂરો રાખીને જ કામ કરે છે. આ મધ્ય બન્નીમાં જ એગ્રોસેલ કંપની હોવાથી ધોરડો, ગોરેવલી, હોડકો ગામના લોકો  ત્યાંથી મજૂરી રળે છે. મહિલાઓ જે હસ્તકળા કારીગરીના નાના-નાના નમૂના તૈયાર કરે છે એ અગાઉ રૂા. 100માં એક નંગ વેચાતો હવે તેના રૂા. 500 મળે છે. રણોત્સવ વખતે તો ગમે તેટલો માલ તૈયાર હોય બધો જ વપરાઈ જાય છે, તેથી રોજી-રોટીની ચિંતા હવે ભૂતકાળ છે અને તેની સાબિતી છે મનરેગાના કામોની ગેરહાજરી. વળી જે શ્રમિક છે તે કોલસા તો પાડી જ દે છે. કોલસાના ભાવ પણ વેપારીઓ ઘરના આંગણે આવીને ઊંચા આપી જાય છે તેથી ભટકવું નથી પડતું અને વળી એ વેપારીઓ કયાંયે કહેતા પણ નથી કે આ માલ બન્નીનો છે.. તેરી ભી ચૂપ મેરી ભી ચૂપ.... અને બંનેને આવક. હોડકોના સલીમભાઈ હાસમભાઈ હાલેપોત્રા હોય કે ભિરંડિયારા દૂધ ઉત્પાદક સહકારી મંડળીના હાજી સાધક ઓસમાણ હોય, ભિરંડિયારા તાલુકા પંચાયત બેઠકના મુસા જુમા રાયશીં હોય કે યુવાન પત્રકાર અલી જુમા રાયશી કે પછી ગોરેવલીના ઈશાભાઈ મુતવા કે ધોરડોના મિંયાહુશેન ગુલબેગ હોય બધા જ કહે છે કે મુખ્યમંત્રી જૈન છે અને જીવદયામાં માને છે તેથી બન્ની દુકાળમાં દુ:ખી નથી... રાજકીય હુંસાતુંસી પણ બન્ની ભૂલી ગયું છે. ભુજ આખા તાલુકામાં 175 ઢોરવાડા મંજૂર થયા છે જે પૈકી બન્નીનો આંક પણ વિક્રમી છે. જરા વિચારજો બન્નીમાં 30થી વધુ દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ છે અને તમામનો પોત પોતાનો આગવો ઢોરવાડો સરકારે મંજૂર કર્યો છે. બધા જ ઢોરવાડા રાતોરાત જોઈ ન શકાય પણ કચ્છમિત્રની ટીમે સૌપ્રથમ મંજૂર થયેલા બન્ની સર્વોદય વિકાસ ટ્રસ્ટ સંચાલિત ઘડિયાડો ગામના ઢોરવાડાની મુલાકાત લીધી તે વિઝિટ બુકમાં રાજ્યના અગ્રસચિવ પણ એ ઢોરવાડો ચેક કરી ગયાની નોંધ હતી. સ્ટેટમાંથી આવેલી વિજિલન્સની નેંધ હતી. ભુજ મામલતદાર, અછત નાયબ કલેકટર, ઓચિંતી ચકાસણી માટે રચાયેલી સ્ટેટ સ્કવોડ, કચ્છના વિવિધ તંત્રોની બનેલી સ્કવોડ બધા જ આ ઢોરવાડો જોઈ ગયા અને લેખિતમાં પ્રમાણપત્ર આપી ગયા 632 ઢોર છે, છાંયડો છે, ઘાસનો સ્ટોક છે, પાણીના અવાડા છે, ચોપડા નિભાવાયા છે અને ભેંસોના કાને ટેગ પણ છે, બોર્ડ પણ છે. આ ઘડિયાડો ઢોરવાડાને મોડેલ ઢોરવાડો માની અન્ય કયાંક તો કંઈક પકડાશે કે જોવા મળશે કે જાહેર થશે જ એવું માનીને તપાસ કરી તો નથુવાળીવાંઢ, ભિરંડીયારા, સેરવો, સરાડોથી લઈને છેક છછલા-ભગાડિયા એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ સુધી અર્થાત સાહુ લાયકના જત અને સુમરાસર સુધીના ઢોરવાડામાં ટેગ, પાણી, ઘાસ, બધું જ જોવા મળ્યું. ઢોર ગણવાનો સમય નહોતો પણ પ્રયોગાત્મક ધેરણે 92 નંબરની ટેગ બતાવો તો ભેંસ હાજર. 15 નંબર તો આ રહી.. આવું બન્નીમાં પ્રથમ વખત જોવા મળ્યું (પણ એનો અર્થ એ નથી કે અહીં પ્રમાણિકતાના પર્વત ઊભા થઈ ગયા છે, આ વખતે મોડસ ઓપરેન્ડી બદલી હોય તેવું માલુમ પડે છે. નવી પદ્ધતિ પકડાશે તો ખરી આજે નહીં તો કાલે પણ હાલ બધું સમુંસૂતરું દેખાય છે એમાં ના નહીં). અપાર આગેવાની ધરાવતા બન્નીમાં નાના-મોટા મળીને 84 ગામ-વાંઢ છે. અંદાજે એકાદ લાખ જેટલી માનવવસતી અને અઢી લાખ આસપાસ પશુઓનો અહીં યુગો યુગોથી વસવાટ છે અને એટલે જ પીરોનો પટ્ટ પણ બન્ની કહેવાય છે. ભિરંડિયારામાં જ મળેલા સાધકભાઈ હાજી ઓસમાણ તથા તા.પં. સદસ્ય મુશાભાઈનું કહેવું છે કે આ વખતે સરકાર સાચા અર્થમાં પશુપાલકોની `મસિહા' સાબિત થઈ છે. ઈતિહાસમાં પહેલીવાર ડિસેમ્બરમાં જ અછતની જાહેરાત થઈ ગઈ, પ્રથમ ઢોરવાડો પણ ઘડિયાડોમાં બન્નીને જ ફાળવાયો, ઘાસડેપો ખૂલ્યા, ઢોરવાડા આવ્યા, પરિણામ એ આવ્યું કે દિવાળી પછી જે માલધારીઓ માલ સાથે હિજરત કરીને અમદાવાદ, સુરેન્દ્રનગર, રાજકોટ બાજુ ગયા હતા તે પૈકીના મોટાભાગના પાછા આવી ગયા. સાધકભાઈની ઉંમર 49 વર્ષની છે, તેઓ વડીલોને ટાંકીને કહે છે કે, 50થી 60 વર્ષના ઈતિહાસમાં દુકાળ ટાણે હિજરત કરીને ગયેલા માલધારી અને માલ એપ્રિલ-મેમાં પાછા આવ્યા હોય એવું બન્યું નથી અને માલ 100 ટકા પાછો આવ્યો એ જ અમારા માટે `ઈદી' છે કારણ કે હજુ સુધી માડુ પાછા આવતા પણ માલ ઢોર તો ઘટી જતો, જીવતો ઢોર અમારા છોરુ સમાન છે અને એનો જીવ બચે તો અમારે રોજ ઈદ-ઉલ-ફિત્ર. રાજ્ય સરકાર પર ફિદા થયેલા માલધારીઓ સબસિડીમાં ઉત્તરોત્તર વધારાને પણ દિલથી આવકારે છે. 35ના રૂા. 70 થયા તેથી જે આર્થિક નુકસાની થતી હતી તે પણ ઘટવા માંડી હોવાનું તેઓ કબૂલે છે.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer