વાવાઝોડાના ખતરાના સામના માટે તંત્ર ગતિશીલ

વાવાઝોડાના ખતરાના સામના માટે તંત્ર ગતિશીલ
ભુજ, તા. 11 : અરબ સાગરમાં સર્જાયેલાં હળવાં દબાણનાં કારણે સમુદ્રી વિસ્તારમાં વાયુ નામનું વાવાઝોડું ઊભું થતાં ગુરુવારે કચ્છ-સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ચક્રવાતરૂપી આ વાવાઝોડું ટકરાય તેવી દહેશતને પગલે સમગ્ર કચ્છમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજે સવારથી રાજ્ય સરકાર, મુખ્યમંત્રીની કલેક્ટર સાથે વીડિયો કોન્ફરન્સ ચાલુ છે. બીજી બાજુ તકેદારીનાં પગલાંરૂપે એન.ડી.આર.એફ. તથા કોસ્ટગાર્ડને ખડેપગે રહેવાની સૂચના આપવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગે વાવાઝોડું ગંભીર બની રહ્યું છે અને તીવ્રતા વધતી હોવાથી તા. 13ના કચ્છના કાંઠાળ વિસ્તારને અસર કરે તેમ હોવાથી પવનની ઝડપ વધીને 115 પ્રતિ કિલોમીટરથી માંડી 204 કિ.મી. થઇ?શકે તેમ હોવાથી આવા સંજોગોમાં ભારે પવનનાં કારણે કોઇ?જાનમાલને નુકસાન ન થાય તેવી તાકીદ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આજે જિલ્લા કલેક્ટર રેમ્યા મોહન સાથે વીડિયો કોન્ફરન્સમાં કરેલા સંવાદમાં જણાવ્યું હતું. સરકાર તમામ કક્ષાએ કચાશ રહેવા નહીં દે, આવા સંજાગોમાં કાંઠાળ વિસ્તારના ગામોના લોકોને એલર્ટ રાખવા ચક્રવાતના પગલે લોકોને ક્યાંક સલામત સ્થળે ખસેડવા હોય તોય તેની તૈયારી કરવા પણ સૂચના આપવામાં આવી હતી. સરકારે કચ્છમાં બે એન.ડી.આર.એફ.ની ટીમો રવાના કરતાં એક અંજાર અને એક નલિયા ખાતે ટીમના જવાનોને પહોંચાડવામાં આવ્યા હોવાનું પણ?વહીવટી તંત્ર દ્વારા જણાવાયું હતું. તકેદારીનાં પગલે કલેક્ટરે આપેલી સૂચના બાદ કચ્છના શિક્ષણતંત્ર દ્વારા તમામ શાળા-કોલેજોમાં તા. 12 -13 એમ બે દિવસ વિદ્યાર્થીઓને રજા જાહેર કરી દેવામાં આવી હતી. પરંતુ પરિસ્થિતિ પ્રમાણે જરૂર પડયે રજા લંબાવાશે.  કચ્છના સમુદ્રી કાંઠાના વિસ્તારો મુંદરા, માંડવી અને અબડાસા વિસ્તારના નાયબ કલેક્ટર, મામલતદારોને પોતાના વિસ્તારમાં દરિયાકાંઠાથી નજીકના લોકોને સલામત સ્થળે ખસેડવા જેવું લાગે તો નજીક ગામોમાં સમાજવાડી કે મોટા હોલ વગેરેની વ્યવસ્થાની યાદી તૈયાર કરવા પણ જણાવાયું હતું. બીજી બાજુ જિલ્લા કલેકટર રેમ્યા મોહને કચ્છમાં વાવાઝોડાની કોઇપણ સ્થિતિમાં નાગરિકોની સલામતી માટે સાવચેત રહેવા સાથે તમામ વિભાગોને એકશન મોડમાં રહેવા તાકીદ કરી છે. અધિક નિવાસી કલેકટર કે. એસ. ઝાલાએ જિલ્લા કલેકટર રેમ્યા મોહનના માર્ગદર્શન હેઠળ કચ્છમાં વાવાઝોડાની સંભવિત પરિસ્થિતિને ધ્યાને લઇ લોકોના જાન-માલની સલામતી અને સુરક્ષાને ધ્યાને લઇ વાવાઝોડાં સાથે ભારે વરસાદની પરિસ્થિતિમાં વહીવટી તંત્ર દ્વારા સતર્કતાની સાથે સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર દ્વારા અનેક પગલાંઓ લેવાઇ રહ્યાં છે. શ્રી ઝાલાએ એનડીઆરએફની બે ટીમો આજે કચ્છ આવી જતાં એક ટીમને અંજાર અને એક ટીમને અબડાસાના કાંઠાળ વિસ્તારમાં રખાશે, તેમ વધુમાં જણાવ્યું હતું.  તંત્ર દ્વારા કોસ્ટગાર્ડ, પોર્ટ, ફિશરીઝ સહિત પોલીસ, નાગરિક સંરક્ષણ, ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર, ગાંધીધામ, નગરપાલિકાઓ, મામલતદારો માર્ગ-મકાન વિભાગ, વન વિભાગ, આરોગ્ય, પાણી પુરવઠા, પોલીસ સહિતના વિભાગોને સતર્ક રહેવા સાથે જરૂર પડે તમામ પ્રકારે બચાવ-રાહત કામગીરી હાથ ધરવાના નિર્દેશો સાથે આપત્તિ વ્યવસ્થાપન કંટ્રોલ રૂમને પણ કાર્યરત કરી દેવાયો હોવાનું જણાવ્યું હતું.  વાવાઝોડાની પરિસ્થિતિમાં કંટ્રોલ રૂમ સહિત અંગે કચ્છના તમામ ઇમરજન્સી ફોન નંબર જાહેર કરાયાંની વિગતો આપી હતી. જિલ્લાના ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ નં. 02832-250923/252347 અને મોબાઇલ નં. 99139 19875 હોવાનું તેમજ વાવાઝોડા કે ભારે વરસાદ જેવી કોઇપણ આપત્તિની પરિસ્થિતિમાં કલેકટર, ડીડીઓ, જિલ્લાના પોલીસવડાઓ સહિત પ્રાંત અધિકારી પશુપાલન વિભાગોનો પણ સંપર્ક સાધવા શ્રી ઝાલાએ જણાવ્યું હતું. દરમિયાન જિલ્લાના મત્સ્યોદ્યોગ વિભાગ દ્વારા કચ્છના કાંઠાળ વિસ્તારના સ્થાનિક લોકો અને માછીમારોને વાવાઝોડા સામે સૂચિત કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત તેઓને સલામત સ્થળે સ્થળાંતર માટે પણ જણાવી દેવામાં આવ્યું હોવાનું શ્રી ગોહિલે જણાવ્યું હતું. ફિશરીઝ વિભાગ દ્વારા કંટ્રોલ રૂમ કાર્યરત કરાયો છે જેના નં. 02832-253785-252347, ફેક્સ-224150, ઉપરાંત તેના ડિઝાસ્ટર કંટ્રોલ રૂમના નં. 02832-1077 (ટોલ ફ્રી) ઉપર જરૂર પડે સંપર્ક સાધવા જણાવાયું છે.  ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરના રિજિયોનલ ફાયર ઓફિસર આઇ.વી. ખેરના જણાવ્યા અનુસાર વાવાઝોડાની પરિસ્થિતિને પહોંચી વળવા તમામ વાહનો અને સાધનો સાથે ફાયર સ્ટાફ પણ સજ્જ હોવાનું જણાવી તેમના કંટ્રોલ રૂમ નં. 02836-258101 ઉપરાંત મોબાઇલ નં. 98795 15966 અને ટોલ ફ્રી નં. 101 હોવાનું વધુમાં જણાવ્યું હતું.  સિવિલ ડિફેન્સના તાલીમ અધિકારી પી.આર. હરેશભાઈ ઠાકરના જણાવ્યા અનુસાર નાગરિક સંરક્ષણ કંટ્રોલ રૂમ નં. 02832-230604 ચોવીસ કલાક શરૂ કરી દેવામાં આવ્યા સાથે પ્રશાસનને મદદરૂપ થવા માટે વોર્ડન સર્વિસના સભ્યોને એલર્ટ રહેવા પણ જણાવી દેવામાં આવ્યું હોવાનું અને વોર્ડન સભ્યોની આજે યોજાનાર બેઠકમાં માર્ગદર્શન આપવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું.   

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer