માંડવી વિન્ડફાર્મને ખાલી કરાવાયો

માંડવી વિન્ડફાર્મને ખાલી કરાવાયો
માંડવી, તા. 11 : માંડવી દરિયાઇ કિનારાને ધ્યાનમાં રાખી નિયામક અને કલેક્ટરની સૂચના મુજબ વિન્ડફાર્મ વિસ્તારને ખાલી કરાવવાની સાંજે કાર્યવાહી હાથ ધરાઇ હતી. નગર સેવા સદનના પ્રમુખ મેહુલ શાહ તથા મુખ્ય અધિકારી સંદીપસિંહ ઝાલાએ  આજે બપોર પછી વિન્ડફાર્મ બીચ પર  વ્યવસાય કરતા તમામ ધંધાર્થીઓને  તાત્કાલિક અસરથી ખસી જવા તથા રાત્રે 9 વાગ્યા સુધી પોતાનો સામાન લઇ જવા જણાવતાં તાત્કાલિક માલ- સામાન ખસેડવામાં આવ્યા હતા. તેમજ અનંતદ્વાર પાસે જડબેસલાક પોલીસ બંદોબસ્ત ગોઠવી કોઇપણ પ્રવાસીઓને  બીચ તરફ ન જવા સૂચના આપવામાં આવી હતી. નગર સેવા સદન તરફથી નીચાણવાળા વિસ્તારના લોકોમાં જાગૃતિ આવે તે માટે રિક્ષા ફેરવી માઇક દ્વારા જાણ કરવામાં આવી હોવાનું કાનજીભાઇ ગઢવીએ જણાવ્યું હતું તેમજ માંડવીની એસ.વી. આર્ટસ કોલેજ અને સાયન્સ કોલેજમાં સ્થળાંતર માટેની વ્યવસ્થા ઊભી કરાઇ હોવાનું જણાવાયું હતું. બીજી બાજુ બીચ ઉપર રોજગારી મેળવતા શ્રમજીવીઓ જેમાં 200 જેટલી પાકી કેબિનો, 200 જેટલી હાથગાડીઓ, 60 ઊંટ, 40 ઘોડા, 50 ફોટોગ્રાફર, 6 સ્ટુડીઓ વિગેરેને સમાચાર મળતાં તાત્કાલિક ખસેડવાની વ્યવસ્થા કરાઇ હતી. પોતાને મોટી નુકસાની ગયાનો આક્રોશ વ્યકત કરતાં શ્રમજીવીઓએ જણાવ્યું હતું કે, અમને ખસેડવા માટેનું આ કાવતરું છે. બીચ પર રાખવામાં આવેલી કેબિનો જેવી ખસેડવામાં આવે એટલે ફરી નવી બનાવવી પડે તે કામ ન આવે. બીજી બાજુ આવતીકાલે સવારે 11 વાગ્યે વાવાઝોડા સંદર્ભે મામલતદાર ઓફિસમાં બેઠકનું આયોજન કરાયું હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું હતું. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer