જે દુનિયા આપણા વખાણ કરે છે, તે જ વખોડે પણ છે

જે દુનિયા આપણા વખાણ કરે છે, તે જ વખોડે પણ છે
નંદી સરોવર (તા. મુંદરા), તા. 11 : જે દુનિયા આપણા વખાણ કરે છે તે જ આપણને વખોડે પણ છે, તેવું અહિંસાધામ પશુરક્ષા કેન્દ્ર આયોજિત માનસ અહિંસા કથાના ચોથા દિવસે સનાતન ધર્મ વિશે સમજ આપતાં જણાવ્યું હતું. તેમણે દરેક સમાજના મંદિરોમાં જવા પણ અનુરોધ કર્યો હતો. પૂ. બાપુએ વ્યાસપીઠે જણાવ્યું હતું કે હિંસા દ્વારા પ્રગટેલી અચ્છાઈ કાયમી હોતી નથી, તે ક્ષણિક હોય છે, એટલે જ કહેવાય છે કે, અહિંસા પરમો ધર્મ. બાપુએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને યાદ કરતાં કહ્યું હતું કે, ગાંધીજી કહેતા કોઈ હિંસા અચ્છાઈ માટે કરવામાં આવે તો તેને કદાચ સ્વીકારું પરંતુ તેના દ્વારા ઊભી થતી અચ્છાઈ થોડા સમય માટે જ હોય છે. હત્યા અને વધમાં મોટો તફાવત છે તેવું જણાવ્યું હતું. મોબાઈલ ફોનનો સતત ઉપયોગ કરનારાઓ પર તેમણે કટાક્ષ કર્યો હતો. કથા દરમ્યાન બધા ધર્મની ધૂન પણ બોલાવવામાં આવી હતી. જેમાં હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ ધર્મનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું હતું કે હિંસા ચાર પ્રકારની હોય છે. કાળગત હિંસા, સમયગત હિંસા, દેશવ્યાપી હિંસા અને વ્યક્તિગત હિંસા. આ ચારેય હિંસાઓની વિસ્તૃત માહિતી આપી હતી. બાપુએ શાયરાના અંદાજમાં કહ્યું હતું કે `આગ તો અપને હી લગાતે હૈ, ગૈર તો સિર્ફ?હવા દેતે હૈ.' બાપુને એક શ્રોતાએ ચિઠ્ઠી લખીને પૂછયું હતું કે તમને નવકાર મંત્ર આખો આવડે છે ? તેના જવાબમાં જણાવ્યું કે મારા માટે નવકાર મંત્ર પ્રિય છે અને મહામંત્ર એટલે નવકાર મંત્ર. લોકપ્રિય કચ્છી રાષ્ટ્રગીત મુંજી માતૃભૂમિ કે નમન વ્યાસપીઠેથી રજૂ કરી શ્રોતાઓને ડોલાવ્યા હતા અને કહ્યું હતું કે કચ્છડો બારે માસ. રામ જન્મોત્સવ થઈ ગયો એટલે અવધ મે આનંદ ભયો હૈ, શ્રી રામ જય રામ જય જય રામની ધૂન સાથે અંગ્રેજી કવિતા ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર ગાઈ હતી. મારા રામ પણ લિટલ સ્ટાર છે અને જે ચમકે તેને સ્ટાર કહેવાય અને પ્રકાશે તેને જ્યોત કહેવાય. ભગવાન રામનો મહિમા સમજાવ્યો હતો. 

  ગૌ પુકાર વીડિયો આલબમ, ત્રણ પુસ્તકોનું વિમોચન  પ્રારંભ પહેલાં વ્યાસપીઠે પૂ. મોરારિબાપુએ ભગવાન મહાવીર પશુરક્ષા કેન્દ્ર અહિંસાધામ પ્રસ્તુત અને રાહુલ સિને કલા આર્ટ પ્રોડકશન નિર્મિત ગૌ?પુકાર વીડિયો આલબમનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ આલબમના નિર્માતા ગૌરીશંકર કેશવાણી, દિગ્દર્શક સુરેશ બીજલાણી, ગીતકાર કચ્છના પ્રસિદ્ધ કવિ આલ, ગાયક ગોવિંદ ગઢવી, સંગીત યુનુસ શેખ, ધ્વનિમુદ્રણ શ્રી રુદ્રાક્ષ ડિજિટલ રાજકોટ, અભિનય ગૌરીશંકર કેશવાણી, હેમાલી ચૌહાણ, કેમેરામેન એડિટિંગ પંકજ શાકિયા અને સાગર સાવલા છે. તેમજ પૂ. બાપુના હસ્તે ચારણ કવિ આલ દ્વારા લિખિત બે પુસ્તક `આરદાસ' અને `ખોડિયાર બાવની' તેમજ હરિ જખુભાઈ ગઢવી સંપાદિત `અવતાર ચરિત્રનો અર્ક' પુસ્તકનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું.  આ પ્રસંગે પ્રસિદ્ધ જ્યોતિષ બી.એમ. જોશી, મહંત રઘુમુનિજી (પંચાયતી અખાડા, હરિદ્વાર), સ્વામી અરવિંદદાસજી (કચ્છી આશ્રમ, હરિદ્વાર), સ્વામી સુબોધજી (અમરકંટક), દેવલમા (સવની વેરાવળ), ભક્તિમા (નાના અંગિયા), સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતીજી (આર્ષ અધ્યયન કેન્દ્ર, માધાપર), પ્રતાપ મહારાજ (દુધઈ), શાત્રી કશ્યપ મહારાજ (મોટા ભાડિયા), ત્રિકમદાસજી મહારાજ (અંજાર), શાત્રી અશ્વિનકુમાર (માંડવી), ધ્રુવકુમાર શાત્રી (માધવધામ), કીર્તિદાસજી મહારાજ (અંજાર), જેન્તીદાસજી મહારાજ (વરલી), લોકગાયક કીર્તિદાન ગઢવી, કચ્છ ઈતિહાસ પરિષદના પ્રમુખ જોરાવરસિંહ જાડેજા, ઉપપ્રમુખ શંભુભાઈ જોશી, તેરા ઠાકોર મયૂરધ્વજસિંહ જાડેજા સહિત સાધુ-સંતો, અગ્રણીઓ કથાપ્રેમી શ્રોતાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કથા મહોત્સવને સફળ બનાવવા સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી મહેન્દ્રભાઈ સંગોઈ, પ્રમુખ રમેશભાઈ ગાલા, સીઈઓ ગિરીશ નાગડા, મેનેજર રાહુલ સાવલા, કન્વીનરો હરેશભાઈ વોરા, અમૃતભાઈ છેડા, ડાહ્યાલાલ ઉકાણી, ખેતશીભાઈ ગઢવી, દીપકભાઈ પટેલ તેમજ અન્ય કારોબારી સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer