નર્મદા કેનાલનું કામ ઝડપભેર પૂર્ણ કરો

નર્મદા કેનાલનું કામ ઝડપભેર પૂર્ણ કરો
ભુજ, તા. 11 : શિણાય નર્મદા કેનાલને લગતા પ્રશ્નોનું તાત્કાલીક નિરાકરણ લાવવા ઘાસ-પાણી સમિતિની બેઠકમાં જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને બેઠકના અધ્યક્ષસ્થાનેથી કેનાલના બાકી રહેતા કામો ઝડપથી પૂર્ણ કરવા નિર્દેશ આપ્યો હતો. કચ્છમાં પાણીના વિકટ પ્રશ્નો નિવારવા તેમજ પાણી અંગેની તમામ રજૂઆતોનો નિકાલ કરવા સાથે અછતના અંતિમ તબક્કામાં ઘાસ-પાણીને લગતા પ્રશ્ને કોઇ ફરિયાદ ન રહે તે જોવા પણ અધિકારીઓને તેમણે તાકીદ કરી હતી. નિવાસી અધિક કલેક્ટર કે. એસ. ઝાલા અને અછત શાખાના નાયબ કલેક્ટર એન. યુ. પઠાણ દ્વારા જિલ્લામાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં પાણીને લગતી સમસ્યાઓ અંગે તુરંત કામગીરી હાથ ધરવા તેમજ લોદ્રાણી ડેમમાંથી પાણી ચોરી ડામવા કડક પગલાં ભરવા સહિત તાલુકા રાહત સમિતિઓની બેઠકમાં પાણીને લગતાં કામોની બહાલી અપાઇ હતી. અંજાર-મુંદરા વચ્ચે પાણીની પાઇપ લાઇન નાખવા સંબંધે ઊભી થયેલી સમસ્યાઓનું નિરાકરણ લાવીને કામગીરી પૂર્ણ કરવા જણાવાયું હતું. નગરપાલિકા વિસ્તારોમાં પાણીના વિતરણને લગતી સમસ્યાઓને લઇને ગેરકાયદેસર જોડાણ દૂર કરવા કડક હાથે કામ લેવા જણાવાયું હતું. ઉપરાંત ભુજ વિસ્તારને પાણી પૂરું પાડતી ભારાપર યોજના અંતર્ગત નવા બોર બનાવવાની કામગીરી પૂર્ણ થતાં પાણીની સમસ્યા હળવી બને તેવો અણસાર નગરપાલિકા દ્વારા વ્યક્ત કરાયો હતો. ચોમાસાને ધ્યાનમાં લઇને તમામ મામલતદારોને જો ઘાસ ડેપો પર ઘાસ ખુલ્લામાં રાખવામાં આવેલું હોય તો સુરક્ષિત સ્થળે રખાવવા અંગે તમામ ઘાસ ડેપો મેનેજરોને તાત્કાલીક સૂચના આપવા જણાવાયું હતું.  જી.ડબલ્યુ.આઇ.એલ.ના સી.બી. ઝાલા, પાણી પુરવઠાના પી.એ. સોલંકી, નર્મદા વિભાગના બી.એમ. નાયક, વાસ્મોના ડી.સી. કટારિયા, પશુપાલન વિભાગના ડો. કે.જી. બ્રહ્મક્ષત્રિય, સિંચાઇ વિભાગના એન.કે. સોલંકી, પી.જી.વી.સી.એલ. સહિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મામલતદાર ભગીરથાસિંહ ઝાલા, નાયબ મામલતદાર મોહિતાસિંહ  ઝાલાએ બેઠક અંગેની વ્યવસ્થા સંભાળી હતી.   

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer