ભુજના કેમેરા હજુએ `િક્લક''ની રાહમાં

ભુજના કેમેરા હજુએ `િક્લક''ની રાહમાં
ભુજ, તા. 11 : સેફ એન્ડ સિકયોર ગુજરાત યોજના અંતર્ગત શહેરમાં 219 જેટલા સીસી ટીવી કેમેરા લાગી ગયાને ત્રણથી ચાર માસ થયા પરંતુ આ કેમેરા `િક્લક' એટલે કે ઉદ્ઘાટનની હજુયે રાહ જોઇ રહ્યા છે. ગુનાખોરીને ડામવા અને લોકોને સુરક્ષા આપવા ઉપરાંત ટ્રાફિક પર પણ નિયમન રહે તેમજ ઇ-મેમાની યોજનાને સાકાર કરવા ગુજરાત રાજ્યના વિવિધ શહેરોમાં સીસી ટીવી કેમેરા લગાડવાની યોજના અંતર્ગત ભુજ શહેરમાં પણ 29 જેટલા થાંભલાઓ પર 219 જેટલા સીસી ટીવી કેમેરા લાગી ગયાને ત્રણથી ચાર માસ જેટલો લાંબો સમય નીકળી ગયા બાદ પણ તે હજુયે ઉદ્ઘાટનની રાહ જોઇ રહ્યા છે. આ અંગે સૂત્રો પાસેથી મળેલી વિગતો મુજબ થોડા દિવસ પૂર્વે જ સરકાર તરફથી આદેશ આવ્યો હતો કે, કેમેરા અને કંટ્રોલ રૂમ બધા જ સજ્જ રાખજો ગમે ત્યારે એકસામટે રાજ્યના 20 જિલ્લામાં આ સીસી ટીવી કેમેરાનું ઉદ્ઘાટન થશે ત્યારે ભુજમાં પણ તેવી તૈયારી થઇ ચૂકી હતી. પરંતુ કોઇપણ કારણોસર ઉદ્ઘાટન ન થયું. આમ રાજકીય ઇચ્છાશક્તિના અભાવે આ ઉદ્ઘાટન લટકી પડયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરના માર્ગો પર બેધડક થતી લૂંટ, ખૂન, મારામારી અને છેડતીના બનાવો સતત વધી રહ્યા છે. કારણ કે આવા ગુનેગારોને કોઇ પડકારતા નથી કેમ કે પડકારે અને પકડાઇ જાય તો પણ પુરાવાના અભાવે છૂટી જતા હોય છે. આમ આ ત્રીજી આંખરૂપી સીસી ટીવી કેમેરાના ફૂટેજ પુરાવારૂપે મહત્ત્વની ભૂમિકા ભજવતા હોવાથી ગુનેગારો પર લગામ ચોક્કસ લાગી શકે તેમ છે. આ ઉપરાંત ટ્રાફિક નિયમનનો સરેઆમ ભંગ કરી વાહન ચલાવતા ચાલકો પણ આમાં કેદ થઇ જતા હોવાથી તેઓ પણ કાબૂમાં રહેશે. આમ આ અતિ ઉપયોગી એવા સીસી ટીવી કેમેરા ઝડપથી કાર્યન્વિત થાય તે જરૂરી છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer