ગુજરાતમાં `વાયુ'' નો ફફડાટ : તંત્ર સાબદું

અમદાવાદ, તા. 11 (અમારા પ્રતિનિધિ તરફથી) : ગુજરાત નજીક સમુદ્રમાં ઉદ્ભવેલું `વાયુ' વાવાઝોડું આવતીકાલ તા. 12મી ને બુધવારે મધરાતે ત્રણ વાગ્યા આસપાસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ટકરાશે. વાવાઝોડાનાં પગલે 90થી 100 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે અને પાંચથી સાત ઇંચ સુધી વરસાદ વરસવાની સંભાવના પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. વાવાઝોડું 130 કિ.મી.ની ઝડપે વેરાવળ અને દીવ વચ્ચેથી પસાર થશે. વાવાઝોડા સામે તંત્રો સાબદાં બન્યાં છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં તમામ શાળા-કોલેજ બંધ રાખવાની સૂચના અપાઇ છે. એનડીઆરએફની 15 ટુકડી સ્ટેન્ડબાય રખાઇ છે. `વાયુ'થી લોકોમાં ઉચાટ છે ત્યારે અફવાથી દૂર રહેવા સરકારે જણાવ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ બેઠક કરી સ્થિતિની સમીક્ષા કરી હતી અને જરૂરી સૂચના આપી હતી. હવામાન વિભાગના ડાયરેકટર જયંત સરકારે જણાવ્યું હતું કે, 13 જૂનના વહેલી સવારે વાયુ વાવાઝોડુ પોરબંદર મહુવાને હીટ કરીને વેરાવળ અને દીવ વચ્ચેથી ક્રોસ કરશે અને વાવાઝોડાંની ઝડપ 130 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. જેના પગલે સૌરાષ્ટ્રના તમામ બંદરો ઉપર બે નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. ગુજરાતના તટીય વિસ્તારોમાં 110-120થી લઇને 140 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આ વાવાઝોડું આવવાની શક્યતા છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા આ તોફાનને પહોંચી વળવા માટે તમામ શક્ય પગલાં લેવાઇ રહ્યાં છે.  એનડીઆરએફની 15 ટીમ વિવિધ જિલ્લામાં સ્ટેન્ડ બાય રખાઈ છે. તા. 12, 13 અને 14 જૂનના સૌરાષ્ટ્ર-કચ્છની તમામ શાળા-કોલેજ બંધ રાખવાની સૂચના આપવામાં આવી છે. વેરાવળથી વાયુ વાવાઝોડાનું અંતર જે 740 કિલોમીટર હતું તે હવે ઘટીને 570 કિલોમીટર થયું છે. છેલ્લા છ કલાકમાં `વાયુ' અરબ સાગરમાં ઉત્તર તરફ આગળ વધ્યું છે અને આગામી છ કલાકમાં તે ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થઈ જશે. વાયુ વધુ ઉત્તર ભણી આગળ વધીને 13 જૂનના સવારે 110થી 120 કિ.મી.થી 135 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે ગંભીર સાઈક્લોનિક સ્ટ્રોમના રૂપમાં પોરબંદરથી મહુવા વચ્ચે ગુજરાતનું તટ પસાર કરે તેવી સંભાવના છે. જેના પગલે જામનગર સહિત તમામ બંદરો પર બે નંબરનું સિગ્નલ લગાવી દેવાયું છે. વેરાવળથી દીવ વચ્ચેના દરિયાકાંઠામાં વાવાઝોડું નુકસાન કરે તેવી દહેશત છે. હવામાન ખાતાના ડાયરેક્ટર જયંત સરકારે કહ્યું કે, વાવાઝોડાના કારણે  ભારે વરસાદ પડવાની શક્યતા છે અને જેમ જેમ વાવાઝોડું આગળ વધશે તેમ તેમ વરસાદનું જોર પણ ઘટતું જશે. એટલું જ નહીં દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડી શકે છે. વાયુ વાવાઝોડું સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારો, ભાવનગર, અમરેલી, દીવ, જામનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, સોમનાથને અસર કરશે.  વાવાઝોડાની સંભવિત અસરના પગલે મોરબી જિલ્લામાં નવલખી દરિયાકાંઠાના 39 ગામના 5900થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું છે, તો 160થી વધુ બોટ અને 4000 જેટલા માછીમારોને દરિયામાં ન જવાની સૂચના અપાઇ છે. એનડીઆરએફની ટીમને મોરબીમાં તૈનાત કરાઇ છે. અમરેલી જિલ્લાના જાફરાબાદ બંદર પર 800 આસપાસની બોટો કિનારે લાંગરી દેવામાં આવી છે. વાવાઝોડાના પગલે ગીર સોમનાથના 40 ગામોને એલર્ટ કરાયા છે. સૂત્રાપાડાના 7, ઉનાના 17, કોડીનાર અને વેરાવળના 8-8 ગામોને સાવચેત રહેવા સૂચના અપાઇ છે. ભાવનગરના દરિયાકાંઠાના 34 ગામને એલર્ટ પર રાખવામાં આવ્યા છે. મહુવા અને તળાજાના આશરે 17થી 18 ગામ પર તંત્ર નજર રાખી રહ્યું છે.  દરમ્યાન વાયુ વાવાઝોડું તીવ્ર બનવાની સંભાવનાના કારણે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે તા. 12, 13 અને 14 જૂનના ભાવનગર, અમરેલી, બોટાદ, જૂનાગઢ, ગીર, સોમનાથ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, રાજકોટ અને કચ્છ જિલ્લાની તમામ શાળાઓ, કોલેજ તથા અન્ય તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓ માટે રજા જાહેર કરી છે. જો કે આ તમામ શૈક્ષણિક સ્ટાફને તેઓના મુખ્ય મથક ન છોડવા અંગેની પણ સૂચના આપવામાં આવી છે અને જિલ્લા વહીવટી તંત્રને પૂર્ણ સહાયરૂપ થવા સૂચના અપાઈ છે. કચ્છમાં જખૌ બંદર પર પણ એલર્ટ આપવામાં આવ્યું છે. જખૌ બંદર પર માછીમારોને સચેત કરી દેવામાં આવ્યા છે. એનડીઆરએફની બે ટીમ જખૌ બંદર પર તૈનાત કરી દેવામાં આવી છે. બીજી તરફ તંત્ર તરફથી અલંગના કામદારોને ચેતવણી આપવામાં આવી છે. તેમજ અલંગ શિપ બ્રેકિંગ યાર્ડને બંધ રાખવા આદેશ કરાયા છે. ગાંધીનગરની બે એનડીઆરએફની ટીમ નલિયા અને કંડલા જશે. દરિયા કિનારાના વિસ્તારોમાં વાવાઝોડાની સ્થિતિ મુજબ લોકો અને વહીવટી તંત્રને સૂચિત કરાશે. `વાયુ' વાવાઝોડાનાં પગલે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે પણ એલર્ટ આપી દેવાયું છે. સુરતમાં આવેલા ડુમસના કાંઠા વિસ્તારમાં લોકોને વાવાઝોડાને પગલે તકેદારી રૂપ એલર્ટ અપાયું છે. વલસાડ જિલ્લાના ઉંમરગામ, પારડી ગામને પણ એલર્ટ અપાયું છે. દરિયો ખેડવા ગયેલા માછીમારોની મોટાભાગની  બોટો પરત આવી ગઇ છે. જો કે, હજુ પણ પોરબંદરમાં 15 બોટ દરિયામાં હોવાની માહિતી મળી રહી છે. 15 બોટમાં આશરે 45 માછીમારો હજુ પણ દરિયામાં છે. ફિશરીઝ વિભાગ દ્વારા આ તમામને પાછા બોલાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. સાથેસાથે રાજ્ય સરકાર દ્વારા બોટ એસોસિએશનના સંપર્કમાં રહી બોટ તથા માછીમારોને પરત લાવવા કવાયત હાથ ધરવામાં આવી છે.  વાવાઝોડાના તોફાનને પગલે ગુજરાતમાં એનડીઆરએફની 15 ટીમો વિવિધ જિલ્લામાં સ્ટેન્ડ બાય પર મુકાઇ છે. આ 15 ટીમ પૈકી વડોદરાની 12 ટીમ અને ગાંધીનગરની 3 ટીમને તૈનાત કરાઇ છે. આ ઉપરાંત પંજાબથી પણ 5 ટીમ બોલાવવામાં આવી છે.  એક તરફ વાયુ વાવાઝોડું સૌરાષ્ટ્ર તરફ આગળ વધી રહ્યું છે, તો બીજી તરફ દરિયાકાંઠે આવેલા પર્યટન સ્થળો પરથી પર્યટકો પરત ફરી રહ્યા છે. આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓની પણ રજા કેન્સલ કરાઇ છે. તમામ કર્મચારીઓને હેડક્વાટર નહીં છોડવા આદેશ અપાયા છે તેમજ આરોગ્ય કેન્દ્રો ઉપર દવાનો પૂરતો જથ્થો ઉપલબ્ધ રાખવા તાકીદ કરાઇ છે. દરમિયાન સંભવિત વાવાઝોડાની ગુજરાતના દરિયકાંઠાના વિસ્તારોમાં થનારી અસરો વિશે સરકારના અલગ-અલગ વિભાગ દ્વારા સોશિયલ મીડિયા દ્વારા રિયલ ટાઇમ માહિતી આપવામાં આવી રહી છે. ખાસ કરીને સંબંધિત કલેક્ટર કચેરીઓના ટ્વિટર એકાઉન્ટ પર આ માહિતી અપડેટ કરવામાં આવી રહી છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer