બંગાળમાં હિંસા જારી : વિસ્ફોટમાં બે મોત

કોલકત્તા, તા. 11 : પશ્ચિમ બંગાળમાં હિંસાનો દોર જારી છે. આજે પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણા જિલ્લાના કાંકીનારામાં વિસ્ફોટ થતાં બે જણનાં મોત થયા છે. અન્ય ચાર ઘાયલ થયા છે. લોકસભાની ચૂંટણી બાદ ટીએમસી અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો વચ્ચે હિંસક અથડામણ જારી રહી છે. આ અથડામણના કારણે હાલત વધારે ખરાબ થઈ રહી છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે કેટલાક વણઓળખાયેલા લોકો દ્વારા કાંકીનારામાં બોંબ ઝીંકવામાં આવ્યો હતો. આ વિસ્તારમાં લૂંટની ઘટના પણ બની રહી છે.  આ પહેલાં સંઘ અને ભાજપના કાર્યકરોના મૃતદેહ વૃક્ષ પર લટકેલી હાલતમાં મળી આવ્યા બાદ સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઈ હતી. બંગાળમાં હાલમાં મમતા બેનર્જી સરકાર અને કેન્દ્ર સરકાર આમને સામને આવી ગઈ છે. એકબાજુ મમતા બેનર્જી સમગ્ર વિવાદને અસ્મિતા સાથે જોડવાના પ્રયાસ કરી રહ્યા છે. હિંસાના જારી રહેલા દોર વચ્ચે કેન્દ્ર સરકાર સ્તર પર પણ વાતચીત જારી રહી છે. પશ્ચિમ બંગાળ પ્રભારી કૈલાસ વિજયવર્ગીય સહિત અનેક નેતા પ્રદેશમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની માંગ કરી ચૂકયા છે. વિજયવર્ગીનું કહેવું છે કે, જો સ્થિતિ નહીં સુધરે તો રાષ્ટ્રપતિ શાસનની માંગણી તીવ્ર કરવામાં આવશે. ભાજપના સાંસદ સૌમિત્ર ખાને રાજ્યમાં કલમ 356નો ઉપયોગ કરીને મમતા સરકારને બરખાસ્ત કરવાની માંગ કરી છે.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer