વર્લ્ડકપમાં સતત બીજી મેચ વરસાદમાં ધોવાઇ

બ્રિસ્ટોલ, તા. 11 : વર્લ્ડકપની વધુ એક મેચ વરસાદમાં ધોવાઇ ગઇ છે. આજની શ્રીલંકા અને બાંગલાદેશ વચ્ચેની મેચ ભારે વરસાદને લીધે એક પણ બોલ ફેંકાયા વિના રદ કરાઇ હતી. આથી બન્ને ટીમને 1-1 પોઇન્ટ મળ્યા હતા. વર્લ્ડકપમાં સતત બીજા દિવસે વરસાદને લીધે મેચ રદ કરવી પડી છે. સોમવારે દ. આફ્રિકા અને વેસ્ટ ઇન્ડિઝની મેચ વરસાદને ભેટ ચડી ગઇ હતી. આ પહેલાં શ્રીલંકા અને પાકિસ્તાનની મેચ પણ વરસાદને કારણે રમાઇ ન હતી. બ્રિસ્ટોલ વર્લ્ડકપની ત્રણ મેચ રમાવાનો શેડયુલ હતો. જેમાંથી ફક્ત ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન સામેની મેચ જ રમાઇ છે. આજની મેચમાં ટોસ પણ ઉછાળવામાં આવ્યો ન હતો. ગઇકાલ રાતના ભારે વરસાદને લીધે મેદાનમાં પાણી ભરાયા હતા. આ પછી આજ સવારથી વરસાદ ચાલુ રહ્યો હતો. જેથી મેચ પડતી મુકાઇ હતી. શ્રીલંકાની વધુ એક મેચ વરસાદમાં ધોવાઇ છે. તેના હવે 4 મેચમાં 1 જીત, 1 હાર અને બે મેચ રદથી 4 પોઇન્ટ થયા છે અને પાંચમા નંબર પર છે. બાંગલાદેશના 4 મેચમાં 1 જીત, 2 હાર અને 1 રદ મેચથી 3 પોઇન્ટ થયા છે અને સાતમા નંબર પર છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer