વર્લ્ડકપની આગામી મેચો માટે કુલદિપ-ચહલની ખાસ તૈયારી

નોર્ટિંગહામ, તા.11: અહીંના ટ્રેંટબ્રિજની સપાટ વિકેટ પર ભારતની ગુરુવારે ન્યુઝીલેન્ડ સામે ટક્કર થવાની છે. ટ્રેંટબ્રિજની વિકેટ પર પાછલી કેટલાક મેચથી સતત 300થી વધુ રન બની રહ્યા છે. આ ફેક્ટર ધ્યાને રાખીને ટીમ ઇન્ડિયા ખાસ તૈયારી કરી રહી છે. આ માટે બોલિંગ કોચ આર. શ્રીધર સ્પિન જોડી યજુર્વેન્દ્ર ચહલ અને કુલદીપ યાદવને ખાસ ટ્રેનિંગ આપી રહ્યા છે. જેનો એક વીડિયો બીસીસીઆઇએ તેની વેબસાઇટ પર રિલીઝ કર્યો છે. જેમાં બન્ને ખેલાડી તેના રોંગ આર્મ્સથી સ્ટમ્પ્સ પાડવાની કોશિશ કરે છે. આ ટ્રાનિંગમાં કુલદીપે જમણા હાથે અને ચહલે ડાબા હાથે બોલિંગ કરવાનો પ્રયાસ કર્યો હતો. અંતમાં બન્નેનો સ્કોર 1-1ની બરાબરી પર રહ્યો હતો. અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે વર્લ્ડ કપની પહેલી બે મેચમાં ભારતની બોલિંગ શાનદાર રહી છે અને કુલ 19 વિકેટ લીધી છે. હવે ટ્રેંટબ્રિજની સપાટ વિકેટ પર ન્યુઝીલેન્ડની આક્રમક બેટિંગ સામે ભારતીય બોલરોની કસોટી થશે. ખાસ કરીને કાંડાથી સ્પિન બોલિંગ કરતા કુલદીપ અને ચહલની ગૂગલી આ મેચમાં મહત્ત્વની બની રહેશે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer