હાર્દિકની તુલના ''99ના કલુઝનરના પ્રદર્શન સાથે કરતા સ્ટિવ વો

લંડન, તા.11: વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા સામે આતશી ઇનિંગ રમનાર હાર્દિક પંડયાની ચોતરફ પ્રશંસા થઈ રહી છે. હવે ઓસ્ટ્રેલિયાના પૂર્વ સુકાની સ્ટિવો વોએ હાર્દિકની તુલના દ. આફ્રિકાના પૂર્વ ઓલરાઉન્ડર લાન્સ ક્લુઝનર સાથે કરી છે. અસલમાં સ્ટિવ વોનું એવું માનવું છે કે 1999ના વર્લ્ડ કપમાં લાન્સ ક્લુઝનરે જે પ્રકારનું પ્રદર્શન કર્યું હતું તેવું પ્રદર્શન વર્તમાન વર્લ્ડ કપમાં ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડયા કરી શકે છે. તેની પાસે મોટા શોટ રમવાની ક્ષમતા છે. જેનો હરીફ સુકાનીઓ પાસે કોઇ જવાબ નથી. હાર્દિકે ઓસ્ટ્રેલિયા સામે 27 દડામાં 48 રનની ઇનિંગ રમી હતી.વોએ તેની કોલમમાં લખ્યું છે કે હાર્દિક પંડયાની બેટિંગ વિરોધી ટીમોને ચોંકાવી દેશે. આ ખેલાડી 1999ના વર્લ્ડ કપના હીરો લાન્સ ક્લુઝનર બરાબર બની શકે છે. મોટાભાગના ખેલાડીઓને તેમની બેટિંગ ઇનિંગની આખરમાં કરે છે તેવી રીતે હાર્દિક ઇનિંગની શરૂઆતમાં કરે છે. તેના શોટ રોકવા હરીફ ટીમના કેપ્ટનો માટે મુશ્કેલ બની જશે. અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે ઇંગ્લેન્ડમાં 20 વર્ષ પહેલાં રમાયેલા વર્લ્ડ કપમાં દ. આફ્રિકાનો ઓલરાઉન્ડર લાન્સ ક્લુઝનર મેન ઓફ ધ સીરિઝ બન્યો હતો. તેણે 9 મેચમાં 140.પ0ની અદ્ભુત સરેરાશથી કુલ 281 રન કર્યા હતા. તેની સ્ટ્રાઇક રેટ 281 રનની રહી હતી. ટી-20ના દોર પહેલાં આ પ્રકારની બેટિંગ અભૂતપૂર્વ હતી. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer