પાક. સામે ઓસી.નું લક્ષ્ય વિજયક્રમ પર વાપસી

ટોન્ટન, તા. 11 : યજમાન ઇંગ્લેન્ડને હરાવીને ઊલટફેર કરનારી પાકિસ્તાનની ટીમ બુધવારે વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ મેદાને પડશે ત્યારે તેનો ઇરાદો વર્તમાન વિજેતાને હાર આપી જીતનો ક્રમ જાળવી રાખવાનો રહેશે. બીજી તરફ પહેલી બે મેચમાં અફઘાનિસ્તાન અને વેસ્ટ ઇન્ડિઝ સામે જીત મેળવનારી ઓસ્ટ્રેલિયાની ટીમને આખરી મેચમાં ભારત સામે હાર મળી હતી. આથી તેનું લક્ષ્ય પાક.ને હાર આપીને વિજય ક્રમ પર વાપસીનું રહેશે. પાક.ની આખરી મેચ વરસાદમાં ધોવાઈ ગઈ હતી. આથી તેને અને શ્રીલંકાને 1-1 પોઇન્ટ મળ્યા હતા. પાકિસ્તાનનું વિશ્વકપ અભિયાન ખરાબ રીતે શરૂ થયું હતું. પહેલી મેચમાં વેસ્ટ ઇન્ડિઝની કાતિલ બોલિંગ સામે 10પ રનમાં ખખડી ગયું હતું. આ પછી બીજી મેચમાં હોટ ફેવરિટ ઇંગ્લેન્ડ સામેની મેચમાં મોટા જુમલાવાળી મેચમાં 14 રને જીત મેળવી હતી. જ્યારે ત્રીજી મેચ શ્રીલંકા સામે વરસાદમાં ધોવાઈ હતી. જો કે પાક. ટીમ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પાછલા 14 મુકાબલામાંથી ફકત એક જ જીત મેળવી શકી છે. આ સામે પાક. સુકાની સરફરાઝ અહમદ કહે છે કે અમે ઇંગ્લેન્ડ સામે પણ વધુ મેચ જીત્યા ન હતા, છતાં તેની સામેની વિશ્વકપની જીતથી ખેલાડીઓમાં જુસ્સો છે. આથી અમને સકારાત્મક ફાયદો મળી શકે છે. અમે ઓસ્ટ્રેલિયા સામે આક્રમક ક્રિકેટ રમવાનો પ્રયાસ કરશું. બીજી તરફ ભારત સામે 84 દડામાં પ6 રનની ધીમી ઇનિંગ રમનારા કાંગારુ ઓપનર ડેવિડ વોર્નર પાક. સામે આતશી ઇનિંગ રમવાનો પ્રયાસ કરશે. વોર્નર, સુકાની ફિંચ, સ્ટીવન સ્મિથ, શોન માર્શ અને ઉસ્માન ખ્વાઝા પાક. બોલરો પર ભારે પડી શકે છે. પાક. ટીમમાં ફેરફારની શકયતા નથી. ઓસિ. ટીમમાં ઇજાગ્રસ્ત સ્ટોયનિસના સ્થાને કેન રિચર્ડસનને જગ્યા મળી શકે છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer