વાવાઝોડાની આગાહીના પગલે જિલ્લાની તમામ પ્રા. અને માધ્ય. શાળાઓ બે દિ'' બંધ

ભુજ, તા. 11 : સૌરાષ્ટ્ર-કચ્છ પર તોળાઇ રહેલા વિનાશક વાવાઝોડાંને અનુલક્ષીને જિલ્લાની તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળા તા. 12થી 13 જૂન દરમ્યાન બંધ રાખવા જિલ્લાના પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણાધિકારી દ્વારા આદેશ બહાર પડાયો છે. તેમ છતાં પરિસ્થિતિ મુજબ જરૂર પડયે રજા લંબાવવા નિર્ણય લેવાશે. વાવાઝોડાંની પરિસ્થિતિને અનુલક્ષીને શાળાઓનો આશ્રયસ્થાન (શેલ્ટર) તરીકે ઉપયોગ કરવાનો હોઈ શૈક્ષણિક કાર્ય બંધ રાખવા બાળકોને  બોલાવવાના રહેશે નહીં તેમજ મુખ્ય શિક્ષક તથા સમગ્ર સ્ટાફે હાજર રહી શાળાઓમાં પીવાનાં પાણીની જરૂરી આગોતરી વ્યવસ્થા ગોઠવવા તેમજ વહીવટીતંત્ર સાથે સંકલનમાં રહી જરૂરી સૂચનાઓની અમલવારી કરવા આદેશ અપાયો છે. આ દિવસો દરમ્યાન કોઇ કર્મચારીની રજા મંજૂર કરવાની રહેશે નહીં. આ ઉપરાંત જિલ્લાની તમામ આંગણવાડીઓ પણ બંધ રાખવા  સૂચના અપાઇ હોવાનું જાણવા મળે છે. દરમ્યાન વાવાઝોડાને  અનુલક્ષીને રાજ્ય સાથે કચ્છમાં આગામી 13થી 15 દરમ્યાન યોજાનારો પ્રવેશોત્સવ હાલ મોકૂફ રખાયો હોવાનું રાજ્ય સરકારની મળેલી કેબિનેટમાં નક્કી કરાયું હતું. નવી સૂચના બાદમાં આપવામાં આવશે તેવું યાદીમાં જણાવાયું છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer