મુંદરાના વહાણવટીઓને `વાયુ''નો ખોફ

મુંદરા, તા. 11 :?સૂચિત `વાયુ' વાવાઝોડાએ તંત્રને સાબદું કરી દેતાં એકતરફ દરિયામાં મુસાફરી કરતા વહાણવટીઓ ચિંતામાં મુકાયા છે તો બીજીતરફ મુખ્યત્વે કેરી અને ખારેકનો પાક લેતા બાગાયતી ખેડૂતોના ચહેરા ઉપર કરચલીઓ પડી છે. સ્થાનિક પોર્ટના ટ્રાફિક કંટ્રોલર આર. કે. અસારીએ જણાવ્યું હતું કે, ગઇકાલે બંદર ઉપર એક નંબરનું સિગ્નલ લગાડવામાં આવ્યું હતું જે આજે બે નંબરનું લગાડવામાં આવ્યું છે. ક્રીકમાં બે અને જેટી નજીક આઠેક મળી કુલ્લ 10 વહાણો મુંદરા કાંઠે લાંગરેલા છે અને પોર્ટ પ્રશાસન સાબદું છે. નંદી સરોવર ખાતે ચાલતી પૂ. બાપુની કથાના સંચાલકોએ તાત્કાલિક અગત્યની મિટિંગ બોલાવી હતી. મેનેજિંગ ટ્રસ્ટી મહેન્દ્રભાઇ સંઘવીએ જણાવ્યું કે, કથા સ્થળના ત્રણ દવાખાના અને એમ્બ્યુલન્સને મંડપ નજીક લઇ જવામાં આવ્યા છે, તેમ તેના સ્ટાફને સતત હાજર રહેવાની સૂચના આપવામાં આવી છે. અત્યારે ત્રણેક હજાર લોકો મુખ્ય મંડપમાં આશરો લઇ રહ્યા છે. જો વાતાવરણની પરિસ્થિતિ કદાચ ખરાબ થાય તો મંડપમાં આશરો લેનારા લોકોની સલામતીના પગલાં વિચારવામાં આવ્યા છે. તમામ ટ્રસ્ટી અને કર્મચારીઓ કથા સ્થળે સતત હાજર રહી જરૂરી સૂચના આપી રહ્યા છે. માછીમાર હાજી જાનમામદ ભટ્ટીએ જણાવ્યું કે, આમ તો ગઇકાલથી માછીમારીની સિઝન પૂરી થઇ ગઇ છે. મોટાભાગના માછીમારો કિનારે આવી ગયા છે પણ વાતાવરણમાં આવેલો બદલાવ ચિંતાજનક છે. પગડિયા માછીમારો માટે પ્રશ્ન ઊભો થાય. શ્રી ભટ્ટીના જણાવ્યા અનુસાર દરિયો ખેડતા વહાણવટીઓ રેડિયો દ્વારા સંદેશાની આપ-લે કરી પરિસ્થિતિથી વાકેફ રહેતા હોય છે. જ્યારે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર સાડાઉના વૈજ્ઞાનિક ડો. યુ. એન. ટાંકે જણાવ્યું હતું કે, જો વાવાઝોડું જેવું આવે તો ફળઝાડની સાવચેતીના પગલાં ક્યા ને કેમ લેવા એ જ ખેડૂતો માટે પ્રશ્ન છે. 70 ટકા કેસર સહિતની કેરીઓનો પાક ઊતરી ગયો  છે પણ ખારેક હજુ ઝાડ ઉપર જ છે. ધ્રબના પ્રગતિશીલ ખેડૂત હુસેનભાઇ તુર્ક જણાવે છે કે, `ખારેક વાધી મથે આય'?(ફળ?વિકસી રહ્યું છે). 60થી 70 કિ.મી. સુધી પવન ફુંકાય ત્યાં સુધી ખારેકની ઝાડી ઝીંક જાલી શકશે, નહીંતર નુકસાન થાય. કચ્છની 50 ટકા જેટલી કેસર હજુ ઝાડ ઉપર છે, જ્યારે વરસાદ પડે તો ખારેકને લાભ અને નુકસાન બંને થાય. પણ તેમ છતાં `વાયુ'એ ધરતીપુત્રોને ચિંતામાં મૂકી દીધા છે. સમગ્ર તાલુકાનું વાતાવરણ વાદળછાયું બન્યું છે. લોકો 1998ના વાવાઝોડાને યાદ પણ કરી રહ્યા છે તેમ લોકોએ ગભરાવાની જરૂર નથી. ઉપરાંત અફવામાં ન આવી જવાનું પણ તંત્ર?દ્વારા જણાવવામાં આવ્યું છે. દરમ્યાન, કાર્યકારી મામલતદાર યશોધર જોષીએ જણાવ્યું હતું કે, આજે પ્રાંત અધિકારી ડો. એ. કે. વસ્તાણીના અધ્યક્ષસ્થાને વિવિધ ખાતાના જવાબદારો ઉપરાંત ખાનગી કંપનીના વડાઓ, માછીમારોની એક બેઠક પ્રાંત કચેરીમાં બોલાવવામાં આવી હતી. જ્યારે માછીમારો અને મીઠા ઉત્પાદકોને સલામત સ્થળે ખસી જવાની સૂચના આપવામાં આવી છે. ત્રણ ટુકડી બનાવી દરિયાકાંઠાના ગામોની મુલાકાત લઇ પરિસ્થિતિથી લોકોને વાકેફ કરવામાં આવ્યા છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer