કંડલા-અંજાર વિસ્તારના નીચાણવાળા ગામોનું સ્થળાંતર કરવા તંત્રની તૈયારી

ગાંધીધામ,તા.11: અરબી સમુદ્રમાં સર્જાયેલું હળવું દબાણ સાયકલોનિક સ્ટ્રોમમાં અને આગામી 12 કલાકમાં સિવીયર સાયકલોનિક સ્ટ્રોમમાં પરિવર્તિત થવાની ચેતવણીના પગલે પૂર્વ કચ્છના અંજાર અને ગાંધીધામ તાલુકાના કાંઠાળ વિસ્તારમાં તકેદારીના પગલાં લેવા અંગેનું આયોજન વહીવટી તંત્ર દ્વારા ઘડી કાઢવામાં આવ્યું છે. આજે અંજાર પ્રાંત કચેરી ખાતે યોજાયેલી બેઠકમાં તકેદારીના પગલાં લેવા સહિતની બાબતો અંગે વિસ્તૃતમાં ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. વાવાઝોડું વાયુની સમગ્ર કચ્છમાં અસર થાય તેવી શકયતાઓ પ્રબળ છે ત્યારે 1998ના વાવાઝોડાં વખતે સૌથી વધુ જાનમાલની નુકસાની થઈ હતી તેવા બંદરીય શહેર કંડલા અને અંજાર તાલુકાના કાંઠાળ તથા નીચાણવાળા વિસ્તારોમાં લોકોને સલામત સ્થળે ખસેડવા અંગેનું આયોજન કરવા ચર્ચા વિચારણા કરાઈ હતી. આ અંગે વધુ વિગતો આપતાં પ્રાંત અધિકારી ડો.વી.કે.જોશીએ જણાવ્યું હતું કે તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર અને સુધરાઈના મુખ્ય અધિકારીની ટીમ બનાવવામાં આવી છે.  આ ત્રણેય ટીમોને આજે બપોર બાદ નીચાણ વાળા અને કાંઠાળ વિસ્તારોમાં સમજાવવા માટે મોકલવામાં આવી છે. જો ઉપરથી લોકોને ખસેડવાની સૂચના આપવામાં આવશે તો કાલથી સ્થળાંતર કરી દેવાશે. સ્થળાંતર માટે ગાંધીધામ શહેર અને ગ્રામ્ય વિસ્તારના સ્થળો પણ નક્કી કરી દેવાયા છે. સ્થળાંતર માટે વાહનો હાજર રાખવા આર.ટી.ઓને સૂચના આપી દેવાઈ છે. આ ઉપરાંત માર્ગ મકાન વિભાગને જેસીબી  સહિતના સાધનો તૈયાર રાખવા સૂચના અપાઈ હતી.આ ઉપરાંત લાઈટ ખોરવાતાં પીવાના પાણીનું વિતરણ ન અટકે તે માટે સંબંધિત તંત્રોને વીજ પુરવઠાની વૈકલ્પિક વ્યવસ્થા રાખવા તાકીદ કરાઈ હતી. અગરિયાઓને ગુરુવારે દરિયામાં ન મોકલવા નમક ઉદ્યોગકારોના સંગઠનને જણાવાયું હતું .જો ઉપરથી કોઈ સૂચના આવે તો ઉદ્યોગના એકમો બંધ કરાવવાની કાર્યવાહી માટે ફેકટરી ઈન્સપેકટરને પણ તાકીદ કરાઈ હતી. હાલ દરિયામાં નાના હોડકાનું વહન બંધ કરાયું છે. મોટા વેસલ બાર્જ વગેરેની મૂવમેન્ટ હવામાન વિભાગ સાથે સંકલનમાં રહીને કરવા ડીપીટી પ્રશાસનને અનુરોધ કરાયો છે. હાલ 5 હજાર જેટલા ફુડ પેકેટની   વ્યવસ્થા કરવા અંગે સૂચના આપાઈ છે. આ ઉપરાંત જો કોઈ લોકો સ્થળાંતર કરવાની ના પાડશે તો તે વિસ્તારમાં પોલીસ દ્વારા માર્ચપાસ્ટ પણ કરવામાં આવશે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer