`વાયુ'' મુંદરા-નલિયા કાંઠે આવી નબળું પડવા વકી

ગાંધીધામ, તા. 11 : અરબી સમુદ્રમાં સર્જાયેલું હળવું દબાણ સાઈકલોનિક સ્ટ્રોમમાં પરિવર્તિત થઈ ગયા બાદ આજ રાત્રિ સુધીમાં સિવીયર સાઈકલોનિક સ્ટ્રોમમાં ફેરવાશે ત્યારે કંડલા બંદર સહિત સમગ્ર કચ્છમાં તેની અસર વર્તાશે. તકેદારીના ભાગ રૂપે કંડલા બંદરે ડીસ્ટન્સ વોર્નિંગની ચેતવણી દર્શાવતું સિગ્નલ ફરકાવી દેવામાં આવ્યું છે.દીનદયાલ પોર્ટની વેધશાળાના વર્તુળોના જણાવ્યા પ્રમાણે કંડલા સહિત સમગ્ર કચ્છમાં ગુરુવાર મોડી રાત્રિ અથવા શુક્રવાર વહેલી સવાર સુધીમાં વાયુ વાવાઝોડાની અસર થશે. તેમના જણાવ્યા પ્રમાણે પોરબંદર અને વેરાવળ વચ્ચે વાવાઝોડું ત્રાટકયા બાદ ખંભાળિયા, વાડીનાર, દ્વારકા થઈ મુંદરા-નલિયાના કાંઠાળ વિસ્તારમાં હીટ થઈ જમીન ઉપર આવી નબળું પડશે. વાવાઝોડું કંડલાની બાજુમાંથી પસાર થવાનું હોવાથી તેની અસર વ્યાપક રહેશે. ગુરુવાર રાત્રિથી  શુક્રવાર સવાર સુધીમાં ભારે વરસાદ ઉપરાંત પવનની ગતિ 100 કિ.મી. પ્રતિકલાક રહેવાની શકયતા વ્યકત કરાઈ રહી છે. ગઈકાલે કંડલા ખાતે 1 નંબરનું સિગ્નલ ફરકાવાયું હતું પરંતુ બપોર બાદ હવામાન ખાતાની સૂચનાના આધારે બે નંબરનું સિગ્નલ ફરકાવવામાં આવ્યું છે.  દૂર દરિયામાં વાવાઝોડું કેન્દ્રિત થયું હોવાની ચેતવણી આ સિગ્નલ દ્વારા આપવામાં આવી છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer