ગાંધીધામ સંકુલમાં હોર્ડિંગ્સ,કિયોસ્ક બોર્ડ ઉતારી લેવાશે

ગાંધીધામ, તા. 11 : `વાયુ' નામના વાવાઝોડાની આગાહીને પગલે સંકુલમાં લાગેલા તમામ મોટા હોર્ડિંગ્સ, કીઓસ્ક બોર્ડ ઉતારી લેવા પાલિકાએ આદેશ આપ્યા હતા. અગાઉ આવેલું વાવાઝોડું તથા ફૂંકાતા ભારે પવનોના કારણે તોતીંગ ઝાડ પડી જવાના તેમજ મોટા-મોટા હોર્ડિંગ્સ પડી જવાના બનાવ આ સંકુલમાં અનેક વખત બન્યા છે. ત્યારે હાલમાં વાયુ નામના વાવાઝોડાની આગાહીના પગલે તંત્ર સતર્ક બન્યું છે. અને સંકુલમાં લાગેલા તમામ મોટા-મોટા હોર્ડિંગ્સ તથા કીઓસ્ક બોર્ડ ઉતારી લેવા જે-તે કંપનીના સંચાલકોને નોટિસ આપવામાં આવી છે. આવા તમામ તોતીંગ બોર્ડ સાત કલાકની અંદર ઉતારી લેવા સૂચના આપવામાં આવી છે. જાહેર જગ્યા કે ખાનગી જગ્યા ઉપર લાગેલા આવા બોર્ડના કારણે કોઇ વ્યકિત કે પશુને ઇજા અથવા જાનહાનિ થશે તો તેવી જાહેરાત કંપનીના સંચાલક વિરુદ્ધ કાયદાકીય અને ગંભીર પગલાં લેવામાં આવશે તેવી સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer