અભયારણ્યમાંથી મીઠાના કારખાના દૂર કરો

ભુજ, તા. 11 : કડોલ (તા. ભચાઉ)માં વન્ય પ્રાણી અયભયારણ્યની જમીન પરથી મીઠાના ગેરકાયદેસર કારખાનાઓ દૂર કરવા અંગે કલેકટરને રજૂઆત કરાઇ હતી. આ અંગે જિ.પં. સભ્ય શામજીભાઇ ઢીલા દ્વારા કરાયેલી રજૂઆત મુજબ ભચાઉ તા.ના કડોલની સીમમાં વન્ય અભયારણ્ય માટે આરક્ષિત જમીનમાં મોટાપાયે દબાણ કરી મીઠાના કારખાનાઓ બનાવાયા છે. આ બાબતે અગાઉ કરેલી ફરિયાદો બાદ અને હાઇકોર્ટ દ્વારા હુકમ થવા છતાં પણ હજુ સુધી કોઇ કાર્યવાહી કરાઇ નથી. અગાઉ જે લીઝો મંજૂર થઇ હતી તે તમામ લીઝ કલેકટર કક્ષાએથી કરાઇ હતી, ત્યારબાદ હાઇકોર્ટ દ્વારા પણ 21 દિવસમાં તમામ દબાણો દૂર કરવાનો સ્પષ્ટ આદેશ હતો, પરંતુ જે તે સમયે તંત્ર દ્વારા લીંપાપોતી કરી દબાણ દૂર કરાયાં નથી જેથી તાત્કાલિક તમામ દબાણ દૂર કરાય અને જે ગેરકાયદેસર વીજજોડાણ અપાયાં છે તે સત્વરે દૂર કરાય, ઉપરાંત આ વન્ય અભયારણ્યની જમીનનો કબ્જો લઇ, હદ માપણી કરી તે જમીન વિસ્તારમાં સ્પષ્ટ જોઇ શકાય એવા નિશાન મુકાય. મીઠાના કારખાનાઓના રિન્યૂ પરવાનાઓ રદ થઇ ગયા હોવા છતાં હજી સુધી વીજતંત્રએ વીજજોડાણ કાપ્યાં નથી અને મોટાપાયે ગેરકાયદેસર વીજજોડાણો હયાત છે. અત્યારે આ ભૂમાફિયાઓ વન્ય પ્રાણી અભયારણ્યની જમીનમાં મીઠું પકાવી પર્યાવરણને નુકસાન કરી રહ્યા છે. જેથી મીઠાના ગેરકાયદેસર કારખાનાઓ તાત્કાલિક બંધ કરાય અને તમામ વીજજોડાણો કાપી દબાણકર્તાઓ સામે ફોજદારી રાહે કાર્યવાહી કરાય અને જમીન પર વન્યપ્રાણીઓ વિચરી શકે તે માટે વ્યવસ્થિત આયોજન કરાય તેવી માગણી કરી જો ટૂંક સમયમાં આ દબાણ દૂર નહીં થાય તો નાછૂટકે ગાંધીચીંધ્યા માર્ગે જનઆંદોલન કરવાની અને વહીવટી તંત્ર  સામે કોર્ટના અનાદર બાબતે કાર્યવાહી કરવાની ફરજ પડશે તેવું શ્રી ઢીલાએ યાદીમાં જણાવ્યું હતું. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer