જખૌમાં કંપનીની લીઝ પૂરી છતાં ઉત્પાદન ચાલુ

જખૌ (તા. અબડાસા), તા. 11 : જખૌ ગામની 1419 સર્વ નંબરમાં આવેલી ગૌચર જમીન પર ભારત સોલ્ટ રિફાઇન્ડ કંપની દ્વારા મોટાપાયે દબાણ કરવામાં આવતાં ગ્રામજનોએ તેનો વિરોધ કરી હવે લીઝ રિન્યૂ ન કરવા કલેક્ટર સમક્ષ માગણી કરી હતી. ગ્રામજનોના વિરોધને પગલે સ્થાનિક ગ્રામ પંચાયતની મળેલી સામાન્ય સભામાં ભારત સોલ્ટને કોઇ પણ જાતના ના-વાંધા પત્ર કે અન્ય કોઇ પત્ર નહીં આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ગ્રામજનોએ કલેક્ટરને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, જખૌ જૂથ ગ્રામ પંચાયત દ્વારા અમોને ઠરાવની નકલ અપાઇ છે જેમાં કંપનીના જખૌ સોલ્ટ કંપની પ્રા. લિ., દુર્ગા સોલ્ટ વર્ક, ભારત સોલ્ટ રિફાઇનરી કંપની રિનોવેશન સામે તેમજ ગૌચર તેમજ અનેક પ્રશ્નો સામે સર્વાનુમતે ઠરાવો કરવામાં આવ્યા છે. જખૌ જૂથ ગ્રામ પંચાયત દ્વારા તેમજ મામલતદારને પણ વાંધા પ્રમાણપત્ર રજૂ કરાયા છે.જખૌમાં ભારત સોલ્ટ રિફાઇનરી કંપની મીઠા ઉત્પાદનનું કામ કરે છે. તેમની લીઝની સમયમર્યાદા પૂર્ણ થઇ છે છતાં કંપનીએ રિનોવેશન કરવા તજવીજ હાથ ધરી છે. ભારત સોલ્ટ કંપની દ્વારા ગૌચર જમીન સર્વે નંબર 1419માં ગૌચર જમીન આવેલી છે તથા જમીનમાં માપણીસીટ દ્વારા સ્પષ્ટ થાય છે કે 311 એકરમાં મીઠા ઉત્પાદન ચાલુ છે. કેમિકલવાળું પાણી છોડી મીઠા ઉત્પાદન માટે કયારો ગૌચર જમીનમાં બનાવેલ છે અને પશુધન માટે કોઇપણ જગ્યાએ ચરિયાણ જમીન નથી. બીજીબાજુ ગ્રામ પંચાયતના સરપંચ લાખાજી અબડાએ મામલતદારને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, કંપની  જ્યાં સુધી નિયમોનું પાલન ન કરે ત્યાં સુધી લીઝ રિન્યૂ કરવામાં ન આવે. તો ગ્રામજનોએ કંપની સામે શરતભંગની કાર્યવાહી કરવા પણ માગણી કરી હતી. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer