નખત્રાણામાં તાળાં તોડી 66 હજારની ઘરફોડી

ભુજ, તા. 11 : નખત્રાણા ખાતે આંબેડકર નગર કોલોનીમાં રહેતા રાધા અરાવિંદ વાઘેલાના બંધ મકાનનાં તાળાં તોડીને શુક્રવારે રાત વચ્ચે તેમાંથી રૂા. 66,200ના મુદ્દામાલની ચોરી થતાં પોલીસ દોડધામમાં પડી ગઇ છે. બહાર આવેલી વિગતો અનુસાર આંબેડકર નગર કોલોનીમાં રહેતા શ્રી વાઘેલા અને તેમના પરિવારના સભ્યો ઘર બંધ કરીને બહારગામ ગયા હતા ત્યારે શુક્રવારે રાત વચ્ચે તેમનું નિવાસસ્થાન તસ્કરોનું નિશાન બન્યું હતું. આ ચોરી બાબતે લખાવાયેલી ફરિયાદમાં  વસંત ઉર્ફે પ્રેમજી વાઘેલાનું નામ શકદાર તરીકે લખાવાયું છે.  પોલીસ સૂત્રોએ ફરિયાદને ટાંકી આ વિશેની માહિતી આપતાં જણાવ્યું હતું કે, આ ઘટનામાં બંધ મકાનનાં તાળાં તોડીને કોઇ હરામખોરો અંદર ઘૂસ્યા હતા. મકાનના કબાટ અને તિજોરીના લોક ખોલી તેમાંથી રોકડા રૂપિયા 20 હજાર ઉપરાંત રૂા. 24 હજારની ચાર સોનાની વીંટી, રૂા. 13 હજારની સોનાની બે બુટી, રૂા. પાંચ હજારની સોનાની ચુડી ઉપરાંત રૂા. ચાર હજારના ચાંદીના સાંકળા અને રૂા. 200ની કિંમતની ચાંદીની ચેઇન મળી કુલ્લ રૂા. 66,200ની માલમતા તેઓ ઉઠાવી ગયા હતા. ઘરફોડ ચોરીની જાણ થતાં તપાસનીશ ફોજદાર શ્રી ભરવાડ સ્ટાફના સભ્યો સાથે સ્થાનિકે ધસી જઇને છાનબીનમાં પરોવાયા હતા. બનાવનો ભેદ ઉકેલવા પોલીસે સર્વગ્રાહી તપાસ હાથ ધરવા સાથે ગુનાશોધક ગંધપારખુ શ્વાન તથા હસ્તરેખા નિષ્ણાતોની મદદ લેવા સહિતના પ્રયાસો હાથ ધર્યા છે.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer