તુગાની યુવતીનું બાઇક પર અપહરણ કરીને ઝાડીઓ વચ્ચે બે વાર બળાત્કાર

ભુજ, તા. 11 : તાલુકાના સીમાવર્તી વિસ્તાર તુગા ગામની 20 વર્ષની વયની યુવતીનું બળજબરીથી બાઇક ઉપર અપહરણ કરી જઇને બાદમાં તેના ઉપર બે વખત બળાત્કાર ગુજારાયો હોવાનો મામલો સપાટીએ આવ્યો છે. આ પ્રકરણમાં મહિલા સહિત ત્રણ જણ સામે ફોજદારી દાખલ કરાવાઇ હતી.  પોલીસ સાધનોએ ફરિયાદને ટાંકી જણાવ્યું હતું કે ગતરાત્રિ દરમ્યાન બનેલી આ ઘટના બાબતે ભોગ બનનારી યુવતીએ તુગાની સલમાબાઇ મામદ સમા તથા દેઢિયા ગામના મુસા ગુલમામદ સમા અને ઇબ્રાહીમ ઉર્ફે કાકાડો લધા સમા સામે બળાત્કાર સહિતની કલમો તળે ફરિયાદ દાખલ કરાવી હતી. ખાવડાના ફોજદાર એન.જે. સરવૈયાએ તપાસ હાથ ધરતાં તહોમતદારોની ધરપકડ માટેના ચક્રો ગતિમાન કર્યા છે. ફરિયાદમાં લખાવાયા અનુસાર આરોપી પૈકીની સલમાબેન ભોગ બનનારી યુવતીને ગતરાત્રે બારેક વાગ્યાના સુમારે જાજરૂ જવાના બહાને ઘરના ફળિયામાંથી બહાર લઇ ગઇ હતી. આ સમયે બહારના ભાગે બાઇક સાથે ઉભેલા આરોપીઓ મુસા સમા અને ઇબ્રાહીમ સમાએ યુવતીને બાઇક ઉપર બળજબરી સાથે બેસાડી તેનું અપહરણ કર્યું હતું. આ પછી જુણા ગામની સીમમાં બાવળની ઝાડીઓ વચ્ચે લઇ જઇને આરોપી ઇબ્રાહીમ ઉર્ફે કાકાડોએ આ યુવતી ઉપર બે વખત બળાત્કાર ગુજાર્યો હતો.   

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer