પવન-તાપની જુગલબંધીથી કચ્છમાં ફરી ગરમી વધી

પવન-તાપની જુગલબંધીથી કચ્છમાં ફરી ગરમી વધી
ભુજ, તા. 24 : ભારે પવનની સંગાથે સૂર્યના આકરા તાપની જુગલબંધીએ આજે કચ્છભરમાં ગરમીની આણ ફરી પ્રવર્તાવી હતી અને તાપમાનમાં એકથી બે ડિગ્રીના વધારા સાથે જનજીવન પરસેવે નીતર્યું હતું. હવામાન ખાતાએ આગામી 48 કલાક સુધી મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર ન આવવાની આગાહી કરી છે. કંડલા એરપોર્ટ મથક 42.3 ડિગ્રી સે. સાથે રાજ્યનું શિરમોર ગરમ સ્થળ રહ્યું હતું. ભુજમાં પારો 40ને પાર કરી 40.3 ડિગ્રી સે. પહોંચ્યો હતો, જ્યારે રાપરમાં 41.0 ડિગ્રી મહત્તમ તાપમાને ઉનાળુ આણ રહી હતી. જિલ્લામથકે ગઈકાલના સરેરાશ 12 કિ.મી.ની ઝડપે રહેલા પવનદેવે આજે તેની ગતિ થોડી ઘટાડીને 10 કિ.મી. પ્રતિકલાક કરી હતી પરંતુ બપોર સુધીમાં સૂર્યદેવના ચામડી ચચરાવતા તાપે જાહેર માર્ગો પર ચહલપહલ ઘટાડી દીધી હતી. છેક મોડી સાંજ બાદ વાતાવરણમાં થોડીક ઠંડકનો અહેસાસ થવા પામ્યો હતો. અહીં આજે મહત્તમ તાપમાન ગઈકાલના 39.5 ડિગ્રીમાંથી 40.3 થયું હતું. આ સિવાય નલિયા ખાતે ગઈકાલ જેટલું જ 36.0 ડિગ્રી સે., કંડલા ખાતે 36.9માંથી 38.1 ડિગ્રી સે., કંડલા એરપોર્ટ ખાતે 41.0માંથી 42.0 ડિગ્રી તાપમાન પહોંચી ગયું હતું. આ સિવાય ખાનગી રાહે નોંધાતા તાપમાનના આંકડામાં ખાવડા ખાતે 38.0 ડિગ્રીમાંથી 40.0 ડિગ્રી સે., માંડવીમાં 36ની જગ્યાએ ઊલટું ઘટીને 33 ડિગ્રી, મુંદરામાં 34 ડિગ્રી અને રાપરમાં 41.0 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. 

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer