કંપનીઓ પરિવહનકારોને રોકાણ કર ચૂકવે

કંપનીઓ પરિવહનકારોને રોકાણ કર ચૂકવે
નખત્રાણા, તા. 24 : પશ્ચિમ કચ્છમાં ખેતી પછી બીજા નંબરે ટ્રક ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ છે, તે ઉદ્યોગ હાલે મંદીનો સામનો કરી રહ્યો છે, ત્યારે હાજીપીર પાસેની ખાનગી નમક કંપની દ્વારા નમક-લોડિંગ માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાતાં તે અનુસંધાને આજે વિશ્વકર્મા માર્કેટ સામે બાપા સીતારામ કોમ્પ્લેક્સમાં પશ્ચિમ કચ્છ ટ્રક-ટ્રાન્સપોર્ટ એસોસિયેશનની અગત્યની બેઠક પ્રમુખ અર્જુનસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને મળી હતી. બેઠકમાં ચર્ચા-વિચારણામાં જે ટેન્ડર પ્રક્રિયા ખાનગી કંપની દ્વારા હાથ ધરવામાં આવી છે તે કોઈ પણ ટ્રાન્સપોર્ટર ભરે તે અગાઉ પશ્ચિમ કચ્છ ટ્રક ટ્રાન્સપોર્ટ ઉદ્યોગના જે નીતિ-નિયમોને અગ્રતા આપવાની સાથે સ્થાનિક ટ્રકોને  ચલાવાય તેમજ નાના ટ્રકમાલિકોનું  હિત જળવાય તે માટે નિર્ણયો લેવાયા હતા. વધુમાં હાલે 903 જેટલી ટ્રકો નમકના પરિવહનમાં જોડાયેલી છે તેમજ દરરોજનું 15,000 ટન મીઠું ટ્રકો મારફતે પરિવહન કરે છે. આ ટ્રકો મુંદરા બંદરે નમક ખાલી કરવા જાય છે ત્યારે ત્રણ-ત્રણ દિવસ સુધી ગાડીઓ ખાલી થતી નથી, તેની સામે દરરોજ કંપની દ્વારા જે ટ્રક ત્યાં બંદર પર પડી રહે તેની સાથે રૂા. 1500 પડતરની રકમ આપવાની માગણી પણ કરવામાં આવી હતી. વધુમાં શ્રી જાડેજાએ કહ્યું હતું કે, હાલે જે માતાના મઢ જી.એમ.ડી.સી. ખાણની પરિસ્થિતિ છે તેવી જ રીતે નમક પરિવહનમાં સ્થાનિક ટ્રકમાલિકોનું હિત નહીં જળવાય તો નાના ટ્રકમાલિકો પાયમાલ થઈ જશે. આ બેઠકમાં પશ્ચિમ કચ્છ ટ્રક એસોસિયેશનના હિતેશદાન ગઢવી, ભરતભાઈ આહીર, મનોજભાઈ જોષી, અલ્પેશ રૂડાણી, વનરાજસિંહ જાડેજા, ભરતભાઈ ભગત, અલીભાઈ સમા, જુસબભાઈ ખલીફા, મામદભાઈ કુંભાર, રાજુભાઈ ઠક્કર, હીરજી અચલજી સોઢા, મોટી સંખ્યામાં ટ્રકમાલિકો ઉપસ્થિત રહ્યા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer