ઉત્સાહિતને બદલે શાંત રહેવાની જરૂર : રોહિત

લંડન, તા. 24 : વિશ્વકપ માટે ભારતીય ક્રિકેટ ટીમ ઇંગ્લેન્ડ પહોંચી ચૂકી છે. ટીમ ઇન્ડિયાના મિડલ ઓર્ડર બેટિંગને લઇને હજુ પણ ઘણા સવાલ થઇ રહ્યા છે. મિડલ ઓર્ડરમાં કેદાર જાધવ હજુ પૂરી રીતે ફિટ નથી અને વિજય શંકર પર હજુ ભરોસો કરી શકાય તેમ નથી. આથી ફરી એકવાર ટીમ ઇન્ડિયાની બેટિંગ જવાબદારી ટોપ થ્રી એટલે કે સુકાની વિરાટ કોહલી, રોહિત શર્મા અને શિખર ધવન પર રહેશે. ટીમના ઉપસુકાની રોહિત શર્માનું પણ આવું જ માનવું છે. રોહિત શર્માએ એક મુલાકાતમાં જણાવ્યું હતું કે ટીમનો ભાર ટોપ થ્રી એટલે કે હું, શિખર અને વિરાટ પર વધુ રહેશે. અમારી કોશિશ રહેશે કે જેટલે બને તેટલું વિકેટ પર ટકી રહેવું અને સારું પ્રદર્શન કરવું. એવું ન થવું જોઇએ કે કાલે હું રન બનાવું, આજે તું બનાવ. અમારા પર જવાબદારી છે. રોહિત શર્મા ટીમનો ઉપસુકાની હશે. આથી તે ધોની સાથે રણનીતિનો પણ હિસ્સો હશે. જેના પર રોહિતે કહ્યુ હું મારી ભૂમિકાને લઇને ખુશ છું. ટીમના હિતને લઇને હું કોઇ પણ ભૂમિકા માટે તૈયાર છું. તેનું માનવું છે કે મારે ઉત્સાહિત રહેવાને બદલે શાંત રહેવાની જરૂર છે. તે કહે છે કે ખેલાડીમાં ઉત્સાહ અને શાંત બન્ને હોવા જરૂરી છે, પણ હાલ મારે શાંતિની જરૂર છે. ઘણીવાર વધુ પડતા ઉત્સાહને લીધે તમારી યોજનાઓ ઊંધી પડે છે.  હાર્દિક પંડયા અને જસપ્રીત બુમરાહના સાથમાં રોહિત શર્માના સુકાનીપદ હેઠળ મુંબઇની ટીમ આઇપીએલમાં ચેમ્પિયન બની હતી. હાર્દિક અને બુમરાહની ભૂમિકા પર રોહિતે કહ્યું કે બન્ને વિશ્વકપને લઇને તૈયાર છે. બન્નેને પડકાર ગમે છે. બન્ને ટીમ માટે મહત્ત્વના બની રહેશે.  

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer