આજે કિવીઝ સામે અભ્યાસ મેચ

લંડન, તા. 24 : ખિતાબની પ્રબળ દાવેદાર પૈકીની એક ભારતીય ટીમ શનિવાર તા. 2પમીએ વિશ્વકપ પૂર્વેની તેની પહેલી અભ્યાસ મેચમાં ન્યૂઝીલેન્ડ સામે ટકરાશે. જેમાં ભારતની નજર ચોથા નંબરના બેટધરને લઇને ચાલ્યા આવતા સંશયને લઇને સ્થિતિ સાફ કરવા પર રહેશે. કેનિંગટન ઓવેલમાં રમાનાર આ મેચમાં ભારતીય ટીમ તેના બોલિંગ આક્રમણને પણ ચકાસવા માગશે. ચોથા નંબરના દાવેદાર લોકેશ રાહુલ અને વિજય શંકરને ઉપરના ક્રમના મોકલવાનો ભારત કદાચ પ્રયોગ કરશે. અભ્યાસ મેચમાં કેદાર જાધવ રમશે કે નહીં તે વિશે કાંઇ જાહેર થયું નથી. આઇપીએલમાં ટી-20 ક્રિકેટ રમીને ભારતીય ખેલાડીઓ સીધા જ ઇંગ્લેન્ડ પહોંચ્યા છે. આથી વર્લ્ડ કપ પહેલાં પ0 ઓવરના ક્રિકેટમાં ઢળવા માટે બે અભ્યાસ મેચ ભારતીય ટીમ માટે મહત્ત્વની બની રહેશે. ભારતની બીજી અભ્યાસ મેચ 28મીએ બાંગલાદેશ સામે રમાશે. આવતીકાલની ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં ભારત તેના ટોચના તમામ ખેલાડીને તક આપવાનું પસંદ કરશે. બે સ્પિનર કુલદીપ યાદવ અને યજુર્વેન્દ્ર ચહલ ઇંગ્લેન્ડની સ્થિતિમાં કેવા અસરકારક રહે છે તેના પર પણ ટીમ મેનેજમેન્ટની નજર રહેશે. બીજી તરફ કિવીઝ ટીમ પણ પાછલા કેટલાક સમયથી શાનદાર દેખાવ કરી રહી છે. મેચ ભારતીય સમય અનુસાર બપોરે 3-00 વાગ્યાથી થશે. જેનું સ્ટાર સ્પોર્ટસ પરથી જીવંત પ્રસારણ પણ થશે. 

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer