પાકિસ્તાનના ખેલાડીઓ પત્ની કે પરિવારજનોને સાથે રાખી શકશે નહીં

લાહોર, તા.24: આઇસીસી વર્લ્ડ કપ પહેલાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)એ મહત્ત્વનો ફેંસલો લીધો છે. પીસીબીએ વિશ્વકપ દરમિયાન તેના ખેલાડીઓને પત્ની અને પરિવાર સાથે રહેવાની મંજૂરી આપી નથી. પીસીબી ઇચ્છે છે કે ખેલાડીનું ધ્યાન વિશ્વકપ પર કેન્દ્રિત રહે. આથી પીસીબીએ નિર્ણય લીધો છે કે 30 મેથી ઇંગ્લેન્ડ અને વેલ્સમાં શરૂ થઇ રહેલ વિશ્વકપ દરમ્યાન પાકિસ્તાનની ટીમના ખેલાડીઓ સાથે તેમની પત્ની કે પરિવાજનો  હોટેલ રૂમમાં સાથે રહી શકશે નહીં. અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે હાલમાં જ ઇંગ્લેન્ડમાં રમાયેલ વન ડે શ્રેણી અને એ પહેલાં યૂએઇમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધની વન ડે શ્રેણી દરમિયાન ખેલાડીઓને પત્ની અથવા પરિવાજનોને સાથે રાખવાની છૂટ મળી હતી. આ બન્ને શ્રેણીમાં પાક. ટીમનો ઘોર પરાજય થયો હતો. આથી પીસીબીએ વર્લ્ડ કપમાં નિર્ણય ફેરવ્યો છે. આમ છતાં કોઇ ખેલાડીના પરિવારના સદસ્યે ઇંગ્લેન્ડની યાત્રા કરવી હશે તો તે ખુદે વ્યવસ્થા કરવાની રહેશે. એવા રિપોર્ટ છે કે આ મામલે હેરિસ સોહિલ એકમાત્ર એવો ખેલાડી છે કે તેને છૂટ મળી છે. તેનું કારણ બહાર આવ્યું નથી. પાકિસ્તાનની ટીમ વેસ્ટ ઇન્ડિઝ સામે 31મીએ તેની પહેલી મેચ રમશે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer