જેન્તી ઠક્કરે નોકરને જેલમાં ગેરકાયદે ઘૂસાડયો

ગાંધીધામ, તા. 24 : અબડાસાના પૂર્વ ધારાસભ્ય જેન્તી ભાનુશાલીની હત્યાના કેસના આરોપી સહિતના ચાર સખ્શો ભચાઉની સબજેલમાં નશાયુકત હાલતમાં ઝડપી પાડવાના પ્રકરણમાં પોલીસે ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ તપાસ આગળ ધપાવી છે. આ બનાવમાં જેલના ગાર્ડ સામે પણ ફરિયાદ નોંધવામાં આવી છે. જ્યારે મોબાઈલ અંગેની તપાસ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને સોંપવામાં આવી છે. આઈ.જી ડી.બી.વાઘેલાની સૂચનાના આધારે ગુરુવારે પોલીસે કાર્યવાહી કરી હતી. આ દરમ્યાન હત્યાકેસના આરોપી જેન્તી ઠક્કર ડુમરાવાળા તેમજ અન્ય ચાર જણા મહેફિલ માણતા ઝડપાયા હતા. આ મામલે ગઈકાલે બે ફરિયાદો નોંધાવાયા બાદ ગત મોડી રાત્રે સબજેલના ગાર્ડ ડાયા સોંડા કોલી અને જેન્તી ઠક્કર તથા રજાક ઈબ્રાહીમ તુર્ક સામે ત્રીજી ફરિયાદ કરાઈ છે. ભચાઉ પી.એસ.આઈ. જી.એ ધીરીએ નોંધાવેલી ફરિયાદમાં આરોપી જેન્તી ઠક્કર અને ગાર્ડ ડાયા કોલીએ આરોપી રજાક કેદી ન હોવા છતાં તેને ગેરકાયદે પ્રવેશ કરાવી સબજેલમાં રાખ્યો હતો. આરોપી રઝાક જેન્તી  ઠક્કરનો નોકર છે. ગત 21-5ના સાંજના અરસામાં પાણીના કેરબાની આડમાં  ગાર્ડે રઝાકને જેલમાં ગેરકાયદે એન્ટ્રી કરાવી હતી. આરોપીઓની પૂછપરછ  દરમ્યાન તેનો કોઈ ગુનેગાર તરીકેનો રેકોર્ડ જેલમાંથી મળી આવ્યો ન હતો. દરમ્યાન આરોપી જેન્તી ઠક્કરના કબ્જામાંથી સેમસંગ કંપનીનો મોબાઈલ ફોન મળી આવતાં ચકચાર પ્રસરી છે. આ બનાવની તપાસ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને સોંપવામાં આવી છે. એસ.ઓ.જી.ની ટુકડીએ આ મામલાની તપાસ હાથ ધરી છે. આ કેસમાં જેન્તી ડુમરાવાળાનો એસઓજી  કબ્જો મેળવશે. તપાસ દરમ્યાન અનેક ચોંકાવનારી વિગતો બહાર આવે તેવી શકયતા જાણકારો વ્યકત કરી રહ્યા છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer