ભાજપને કોંગ્રેસ કરતાં 29.75 ટકા મત વધુ મળ્યા

નવીન જોશી દ્વારા  ભુજ, તા. 24 : કચ્છ લોકસભાની ચૂંટણીનું પરિણામ ગઈકાલે ગુરુવારે આવ્યું અને કચ્છની છ તથા મોરબી વિધાનસભાને સાંકળતી આ બેઠક ભારતીય જનતા પક્ષના વિનોદ લખમશી ચાવડાએ 637034 મતો મેળવી કોંગ્રેસના નરેશ નારાણભાઈ મહેશ્વરીથી 305513 મત વધુ મેળવી એકપક્ષીય રીતે આ ચૂંટણી જીતી સતત બીજી વખત કચ્છનું પ્રતિનિધત્વ કરવા સંસદમાં પહોંચ્યા. પરાજિત નરેશ મહેશ્વરીને 331521 મત મળ્યા. આ મત અને તેની ટકાવારી એટલે કે આખેઆખી ચૂંટણીનું આંકડાકીય  પૃથ્થકરણ કરીએ તો હાર-જીત સિવાયના નાના અને ઝીણવટભર્યા મુદ્દાઓ એવા પણ ઊભરી આવે કે જેના પર લાંબો સમય સુધી ચર્ચા થઈ શકે અને ભવિષ્યની વ્યૂહરચના ગોઠવી શકાય અને ભૂતકાળમાંથી બોધપાઠ પણ લઈ શકાય. 2019ની 17મી લોકસભાની ચૂંટણીમાં મોરબી સહિત કચ્છના કુલ મતદારોનો આંક 17,43,825 છે, જે પૈકી 1023198 જણે 23મી એપ્રિલના મતદાન કરતાં મતદાનની ટકાવારી 58.23 રહી. આ મતોમાંથી ભાજપના વિનોદભાઈ ચાવડાએ 62.25 ટકા અને કોંગ્રેસના નરેશભાઈ મહેશ્વરીએ 32.50 ટકા મત મેળવ્યા. આમ સરસાઈની ટકાવારીમાં જોઈએ તો 29.75 ટકા મત ભાજપને વધુ મળ્યા. 2014ની ચૂંટણીમાં ભાજપના શ્રી ચાવડાને કુલ મતદાનના 59.48 ટકા મત મળ્યા હતા. જ્યારે આ વખતે એમના મત વધીને 62.25 ટકા થતાં 2.77 ટકા મત વધ્યા છે. આ વધારાની તુલના હજુ અતીતમાં સહેજ વધુ ઊતરીને કરીએ તો કચ્છ-મોરબી બેઠક અનુ.જાતિ માટે અનામત જાહેર થઈ અને પ્રથમ ચૂંટણી પૂનમબેન જાટ લડયા ત્યારે તેમને 2009માં કુલ મતોના 42.55 ટકા મત મળ્યા હતા અને 2014માં વિનોદભાઈ 59.48 ટકા મત લાવતાં 2014માં ભાજપના મતોમાં 16.93 ટકાનો વધારો હતો. જે આ વખતે મત વધુ મળ્યા છતાં ટકાવારીની દૃષ્ટિએ માત્ર 2.77 ટકા જ છે. કોંગ્રેસની મત ટકાવારી સતત પરાજયના લીધે ઘટી કે વધી એ દિશામાં થોડા આંકડા મેળવ્યા તો 2014માં ડો. દિનેશ પરમાર બારાતુ કોંગ્રેસી ઉમેદવાર હતા. તેમને તે વખતે કુલ મતદાનના 32.58 ટકા મત મળ્યા     હતા. જ્યારે આ વખતે કોંગ્રેસના નરેશ  મહેશ્વરીને 32.40 ટકા મત મળ્યા છે. આમ 2014ની તુલનાએ સ્થાનિકના ઉમેદવાર હોવા છતાં કોંગ્રેસને 0.18 ટકા મત ઓછા મળ્યા છે. તે વખતે કોંગ્રેસને (2014માં) ભાજપ કરતાં 26.90 ટકા મત ઓછા મળ્યા હતા જ્યારે આ વખતે ઘટેલા મતની ટકાવારી 29.85 ટકા રહી છે. કચ્છ લોકસભાની બેઠક પરથી ચાર વખત વિજયી થયેલા ભાજપના પુષ્પદાન ગઢવીને 1996માં 62.73 ટકા, 1998માં 48.58 ટકા, 199માં 49.91 ટકા અને 2004માં 48.13 ટકા મત મળ્યા હતા. આમ એમના મતની ટકાવારી ક્રમશ: ઘટતી ગઈ હતી જ્યારે 2014માં વિનોદ ચાવડાએ 59.48 ટકા મત મેળવ્યા અને 2019માં આ વખતે તેમાં વધારો થયો અને એમના મતોની ટકાવારીનો આંક 62.25 પર પહોંચતાં તેમના મતમાં 2.77 ટકાનો વધારો થયો છે. છતાં તેઓ ટકાવારીમાં  પૂર્વ સાંસદ પુષ્પદાન ગઢવીનો વિક્રમ તોડી શક્યા નથી. શ્રી ગઢવીએ 62.73 ટકા મતો 1996માં લીધા હતા અને એ સૌથી વધુ ટકા મતનો વિક્રમ આજેય અકબંધ છે. કચ્છમાં છ અને મોરબી મળી સાત વિધાનસભા મતવિસ્તારમાં પથરાયેલા કચ્છ લોકસભા મતક્ષેત્રમાં વિધાનસભા વિસ્તાર દીઠ મતદાનની ટકાવારી પણ ખૂબ રસપ્રદ અને જે-તે વિસ્તારની બદલાતી તાસીરની સાક્ષી પૂરે તેવી છે. અબડાસા મતવિસ્તારમાં કોંગ્રેસના ધારાસભ્ય હોવા છતાં અહીં ભાજપને કુલ મતોના 7.54 ટકા મત મળ્યા જ્યારે કોંગ્રેસ 4.87 ટકાથી આગળ ન વધી શકી. બંદરીય માંડવી અને મુંદરાને સાંકળતી અને ઉદ્યોગોની અસર હેઠળ ખૂબ ગાજતી માંડવી બેઠક પર ભાજપે કુલ પડેલા મતોના 9.65 ટકા મત હાંસલ કર્યા. અહીં કોંગ્રેસ 5.10 ટકા સુધી સીમિત રહી. ઐતિહાસિક અંજારના મતદારોએ ભાજપને 9.39 ટકા મતનું દાન કર્યું, જ્યારે કોંગ્રેસના ભાગે માત્ર 4 ટકા જ મત આવ્યા. પૂર્વ કચ્છના સૌથી ધમધમતા ગાંધીધામ મત વિસ્તારે કુલ પડેલા મતો પૈકી 9.63 ટકા મત ભાજપને આપ્યા તો કોંગ્રેસના ભાગે 4.48 ટકા મત આવ્યા. હવે જોઈએ રાપર અને મોરબીના મતદારોનો મિજાજ. આ બંને વિધાનસભા વિસ્તારોએ 2017ની ચૂંટણીમાં કોંગ્રેસના ધારાસભ્યોને જીત અપાવી અને 2019ની  લોકસભાની ચૂંટણીમાં તેઓ ભાજપ તરફે રહ્યા અને કોંગ્રેસને પરાસ્ત કરી. રાપર મત વિસ્તારના મતદારોએ કચ્છના કુલ મતદાનમાં 6.14 ટકા મત ભાજપને અને 3.31 ટકા મત કોંગ્રેસને આપ્યા. મોરબીએ આખેઆખા સાતે સાત વિધાનસભા મતવિસ્તારોમાં સૌથી વધુ ટકાવારી ભાજપની તરફેણમાં નોંધાવી. કુલ મતોના 10.23 ટકા મત મોરબીએ ભાજપને  આપ્યા અને 5.54 ટકા મત કોંગ્રસને ફાળે રહ્યા. આખી લોકસભા બેઠકનું પોસ્ટમોર્ટમ કરીએ તો ભાજપને મોરબીએ ટકાવારીની દૃષ્ટિએ સૌથી વધુ સાથ આપી 10.23 ટકા મત આપ્યા. જ્યારે રાપરે સૌથી ઓછા 6.14 ટકા મત આપ્યા. કોંગ્રેસની તરફેણમાં પણ સૌથી ઊંચી ટકાવારી મોરબીની જ રહી. કુલ મતોના 5.54 ટકા જ્યારે રાપરે 3.31 ટકા સૌથી ઓછી ટકાવારી આપી. અને છેલ્લે ચર્ચા કરી લઈએ નોટાના મતોની. ભાજપ-કોંગ્રેસના મતો બાદ ત્રીજું સ્થાન આ વખતે નોટાને મળ્યું. મતક્ષેત્રના 18551 જણને એકપણ ઉમેદવાર પસંદ ન આવ્યો અને તેઓ નોટા તરફ ગયા. આ 18551 એટલે કુલ પડેલા મતોના 1.81 ટકા મત થાય. વિધાનસભા મતવિસ્તારની દૃષ્ટિએ જોઈએ તો અબડાસાએ 0.27 ટકા, માંડવી 0.21 ટકા, ભુજ 0.29 ટકા, અંજાર, ગાંધીધામ બંને 0.24 ટકા, રાપર 0.30 ટકા અને મોરબીએ 0.24 ટકા મત નોટામાં આપ્યા. 

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer