મુંદરા એ.પી.એમ.સી. - શાકભાજી વેપારીઓમાં વિવાદ

મુંદરા, તા. 24 : નગરના શાકભાજીના હોલસેલ વેપારીઓ અને થોડા સમય પહેલાં જ્યાં સ્થળાંતરિત થયા છે એ એપીએમસીના  વર્તુળો વચ્ચે વિવાદ ઊભો થયો છે. 18 જેટલા શાકભાજી હોલસેલના વેપારીઓએ એપીએમસીના ચેરમેનને લખેલા પત્રમાં જણાવવામાં આવ્યું છે કે, અમો ઘણા વર્ષોથી મુંદરાના જવાહર ચોકમાં શાકભાજીનો વેપાર કરતા હતા. સવારે 4થી 7 દરમ્યાન રોજબરોજના હોલસેલ વેપાર કરતા હતા. છેલ્લા એકાદ વર્ષથી ટ્રાફિકમાં અડચણરૂપ થતા હોવાનું જણાવી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના યાર્ડમાં નગરથી 2 કિ.મી. દૂર સ્થળાંતર કરવામાં આવ્યા હતા. પત્રમાં જણાવ્યા અનુસાર યાર્ડમાં સ્ટોલનું ભાડું રૂા. 2200 અને ડિપોઝિટની રકમ રૂા. 1 લાખ નક્કી કરવામાં આવી હતી. તે અચાનક માસિક ભાડું રૂા. ત્રણ હજાર કરી નાખવામાં આવ્યું. આ ભાડું નાના વેપારીઓને પોસાય તેમ ન હોઇ અમે નાછૂટકે મૂળ જગ્યા જવાહર ચોક મધ્યે વેચાણ ચાલુ રાખવાનું નક્કી કર્યું છે. ભાડા વધારા બાબતે  શોપ્સ કમ ગોડાઉન લીઝથી લેવા અંગે આવેલી અરજીઓના અનુસંધાને કાયમી વિકાસ ફાળાની રકમ જમા કરાવવા બાબતે જાણ કરી છે. તે અંગે અમને કોઇ જવાબ આપવામાં આવેલો નથી. ભાડાપટાના વાજબી ભાવો નક્કી કરી આવા શોપ્સ કમ ગોડાઉન જોફાળવવામાં આવે તો અમે એ સ્વીકારવા તૈયાર છીએ. નહીંતર જવાહર ચોક મધ્યે તા. 1/6/19થી શરૂ કરવા માગીએ છીએ તેવું પત્રમાં જણાવવામાં આવ્યું છે. તો બીજી તરફ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિએ પ્રાંત અધિકારી મુંદરાને વિવાદના અનુસંધાને પત્ર લખી જણાવ્યું છે કે, જવાહર ચોક મધ્યે શાકભાજી તથા ફળફળાદિનું વેચાણ થવાથી ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાતી હતી. જેથી નાગરિકોની રજૂઆતોના પગલે વેપારીઓને યાર્ડમાં લઇ?જવામાં આવ્યા હતા. વેપારીઓ સાથે થયેલી સમજૂતી મુજબ પ્રથમના ત્રણ માસ એપીએમસીએ ભાડું લીધેલું નથી, તથા લાઇટ, પાણી, સેનિટેશનની સુવિધા આપી હતી. ચોમાસામાં વેપારીઓનો માલ બગડે નહીં તે માટે રૂા. 1.60 કરોડના ખર્ચે ઓપન શેડ બનાવી આપ્યો છે. યાર્ડમાં વેપારીઓ પાસેથી શેષ લેવાતો નથી. વેપારીઓ પાસેથી મિટિંગ કરીને તેમની સહમતીથી રૂા. બે હજાર યુઝર ચાર્જ તથા રૂા. 200 સફાઈવેરો લેવાનું નક્કી કરાયું હતું, ત્યારબાદ વેપારીઓની સહમતીથી યુઝર્સ ચાર્જ રૂા. 3000 લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. તેના બદલામાં 700 સ્ક્વેરફિટના શોપ્સ કમ ગોડાઉન પાર્કિંગની  વ્યવસ્થા યાર્ડ દ્વારા આપવામાં આવે છે. યાર્ડમાં તાલુકાના અન્ય વિસ્તારના ખેડૂતોની કોઇ ફરિયાદ નથી તેવું યાદીમાં  જણાવવામાં આવ્યું છે. 

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer