ચૂંટણીના સટ્ટામાં `તેજી'' કરનારા લખલૂટ કમાયા

ભુજ, તા. 24 : ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇ.પી.એલ.) ક્રિકેટ સ્પર્ધા પૂરી થયા બાદ અને વિશ્વકપ ક્રિકેટ સ્પર્ધા શરૂ થવા પહેલાના સમયગાળામાં જાહેર થયેલા લોકસભાની ચૂંટણીના પરિણામોને લઇને દેશ અને રાજ્યના અન્ય ભાગોની સાથે કચ્છમાં પણ ભરપુર સટ્ટો રમાયો હતો. જેમાં મોદી ફેક્ટર ઉપર વિશ્વાસ રાખીને તેજી કરનારા પન્ટરો ધૂમધૂમ કમાયા હતા. તો સટ્ટાબજારે આપેલા તમામ કોટેશનમાં તેજી આવતાં બુકીઓને જબ્બર આર્થિક ફટકો સહન કરવો પડયો હતો.સટ્ટાના શોખિન પન્ટરો માટે આઇ.પી.એલ. પૂર્ણ થયા બાદ અને વર્લ્ડકપ શરૂ થવા પહેલા લોકસભાની ચૂંટણીનો સટ્ટો જુગાર રમવા માટે હાથવગું સાધન બન્યું હતું. ચૂંટણીની જાહેરાત થઇ તે પહેલાથી સટ્ટા માર્કેટમાં વહેતા થયેલા ભાવમાં પરિણામ સુધી વ્યાપક ચડાવ-ઉતારનો માહોલ જોવા મળ્યો હતો. ચૂંટણીની તારીખ જાહેર થઇ તે પહેલાં બિનસત્તાવાર રીતે ભાજપની 217-219 બેઠકનું કોટેશન જાહેર કરનારા બુકીઓએ એર સ્ટ્રાઇક બાદ બેઠકોની સંખ્યામાં  નોંધપાત્ર વધારો આપ્યો હતો. છેલ્લેછેલ્લે એક તબક્કે તો  ફલોદી બજારે તો 299 બેઠકનું કોટેશન જાહેર કર્યું હતું. આવા તમામ અંદાજો તેજી સાથે પાસ થતા તેજીવાળા પન્ટરો ધૂમ કમાયા હતા. ચૂંટણીના સટ્ટાને સંલગ્ન સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ ભાજપ સાથે એન.ડી.એ.ની જીત માટે શેરબજારની જેમ સટ્ટાબજારને પણ જબ્બર વિશ્વાસ હોવાથી એરસ્ટ્રાઇક બાદ એકલા ભાજપને 245 થી 250 બેઠક મળવાનો વર્તારો જારી રહ્યો હતો. તેમાંયે વળી એક્ઝિટ પોલ પછી તો વર્તારો અઢીસોને પાર કરી ગયો હતો. દેશનો એર સ્ટ્રાઇક પછીનો સમગ્ર માહોલ કેન્દ્રમાં રાખીને તેજી કરનારા પન્ટરોની સંખ્યા સવિશેષ રહી હોવાના કારણે સરવાળે બુકીઓને હાર ખમવાનો વારો આવ્યો હતો. કચ્છને લાગેવળગે છે ત્યાંસુધી છેવાડે આવેલા આ જિલ્લામાં પણ ચૂંટણીને લઇને લાખો અને કરોડોનો સટ્ટો રમાયો હતો. અમદાવાદ, મુંબઇ, સુરત અને ઉત્તર ગુજરાત સ્થિત બુકીઓ પાસે કચ્છનું મુખ્યત્વે કાટિંગ રહ્યું હતું. આવતીકાલે ચૂકવણાનો દિવસ હોવાથી લાખો અને કરોડોની આપ-લે થવાનો માહોલ જોવા મળી રહ્યો છે.  

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer