સુરતની આગની ઘટનાથી કચ્છમાં પણ અનેક સવાલો ઊઠયા

કૌશલ પાંધી દ્વારા  ભુજ, તા. 24 : સુરતમાં આજે એક કોમ્પ્લેકસમાં બનેલી હૃદય કંપાવનારી આગની ઘટનાએ કચ્છ તેમજ ભુજમાં ચાલતા અનેક નોંધાયેલા અને ન નોંધાયેલા ટયૂશન ક્લાસમાં સુરક્ષાના સાધનો સામે સવાલ ઊઠાવ્યો છે. ઉપરાંત આ બનાવથી વાલીઓ પણ તેમના બાળકોને જ્યાં અભ્યાસાર્થે મૂકે છે તે સ્થળની સુરક્ષા દૃષ્ટિએ તપાસ કરે તે જરૂરી છે.આજે સુરતના એક કોમ્પ્લેકસમાં આગને પગલે 17 જણે જીવ ખોયો હતો. આ જ કોમ્પલેકસમાં એક ટયૂશન ક્લાસ પણ ચાલતો હતો અને ઘટનામાં જીવ ગુમાવનારા મોટા ભાગના વિદ્યાર્થીઓ હોવાની શક્યતા વ્યકત થઇ રહી છે. આ બનાવને પગલે કચ્છમાં સુરક્ષાના સાધનો ક્યાં ક્યાં ઉપલબ્ધ છે તેની સામે સવાલ ખડા થયા છે. છેલ્લા કેટલાક વર્ષોથી ખાનગી ટયૂશનો બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળ્યા છે. એમ કહો કે, અમુક ખાનગી ટયૂશન તો શાળાઓની જેમ ધમધમી રહ્યા છે. જેમાં હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવા ચાર-પાંચ શિક્ષકોની ટીમ રખાય છે. જો કે, આ એક વ્યવસાયનું સાધન છે અને આ માધ્યમથી સંચાલકોને તગડી કમાણી પણ થતી હોય છે પરંતુ તેમની નિયમોનુસાર નોંધણી કરાઇ છે કે, કેમ ? હજારો વિદ્યાર્થી જ્યાં અભ્યાસાર્થે જાય છે ત્યાં સુરક્ષાના સાધનો પૂરતા છે કે, કેમ ? તેની તપાસમાં નગરપાલિકા, ફાયર વિભાગ તથા શિક્ષણ તંત્ર તેમજ ખુદ વાલીઓ દ્વારા પણ લાપરવાહી સેવાતી હોવાની જાગૃત નાગરિકો શક્યતા વ્યકત કરી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ભુજમાં પણ અનેક ખાનગી ધોરણે ટયૂશન ક્લાસિસ ચાલી રહ્યા છે. જેમાંથી માત્ર 10 ટકા જ સુધરાઇમાંથી એન.ઓ.સી. લેવામાં રસ દાખવતાં હોવાનું જાણવા મળ્યું છે.  આ અંગે સુધરાઇના શોપ ઇન્સ્પેકટર હિતેન્દ્રાસિંહ જાડેજાનો સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું કે, આરોગ્ય અને શિક્ષણને ગુમાસ્તા ધારામાંથી મુકિત અપાઇ છે. પરંતુ અમુક ટયૂશન સંચાલકો એન.ઓ.સી. લેવા આવતા હોય છે. ફાયર શાખાના અનિલ મારૂનો સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું કે, બે માળથી વધુ મોટી બિલ્ડિંગ હોય તો ફાયર સેફ્ટીના સાધનો અંગે એન.ઓ.સી. લેવી પડે છે. પણ આ માટે કોઇ સામેથી જાણ નથી કરતા. જો કે, શાખા દ્વારા સમયાંતરે તપાસ કરાતી હોય છે અને જરૂર જણાય ત્યાં નોટિસ પણ અપાય છે. કોમર્શિયલ-સ્કૂલના ઉદ્દેશ માટે અલગ ક્રાઇટ એરિયા મુજબ સાધનો રાખવાના હોય છે. ઉપરાંત શાખા દ્વારા અલગ-અલગ શાળામાં આગ લાગે ત્યારે વિદ્યાર્થીઓએ શું કરવું તેનો કેમ્પ યોજી ટ્રાનિંગ પણ અપાતી હોવાનું ઉમેર્યું હતું. ખાનગી ટયૂશન ક્લાસની નોંધણી અંગે જિલ્લા શિક્ષણાધિકારી ડો. બી. એન. પ્રજાપતિનો સંપર્ક સાધતાં તેમણે નોંધણી અંગે અજાણતા દર્શાવી ઉમેર્યું હતું કે, ચૂંટણી અગાઉ મળેલી મૌખિક સૂચના મુજબ દરેક સરકારી, ખાનગી શાળાઓમાં સેફટીનાં સાધનોની તપાસ કરવામાં આવશે અને દરેક શાળાઓમાં ફાયર સેફ્ટી, સી.સી. ટી.વી. કેમેરા લાગેલા છે કે કેમ, તેની ચકાસણી ટૂંક સમયમાં જ હાથ ધરાશે. તેમણે જણાવ્યું હતું કે, કોઈ પણ અકસ્માતની જવાબદારી જે તે સંચાલકોની હોય છે. દરમ્યાન કચ્છમાં પણ આવા બનાવો ન બને તે માટે સરકારી તંત્રો, ટયૂશન સંચાલકો દ્વારા સુરક્ષા બાબતે પગલાં ભરાય તેવી વાલીઓ તથા લોકોમાં માંગ ઊઠી છે. 

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer