આયાતી કોલસાના સંગ્રહ માટે વેરહાઉસ બાંધવા ડીપીટીએ પારોઠના પગલાં ભરતાં આશ્ચર્ય પ્રસર્યું

ગાંધીધામ, તા. 24 : અહીંના દીનદયાળ પોર્ટ ખાતે વધી રહેલા આયાતી કોલસાના હેન્ડલિંગમાં પબ્લિક બોન્ડેડ વેરહાઉસની જરૂરત ઊભી થઇ છે. બંદર વપરાશકારો લાંબા સમયથી આ માગણી કરી રહ્યા છે.પરંતુ ગમે તે કારણે ભૂતકાળમાં આ માટે કસ્ટમમાં કરાયેલી અરજી ડીપીટીએ પરત ખેંચી લેતાં આશ્ચર્ય ખડું થયું છે.અત્યંત વિશ્વાસપાત્ર સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે આયાતી કોલસાના સંગ્રહ અર્થે પબ્લિક બોન્ડેડ વેરહાઉસની માગણી અગ્રણી વેપારી સંસ્થા ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સથી માંડીને અનેક વપરાશકારો કરી રહ્યા છે. છેલ્લે ગત જાન્યુઆરી મહિનામાં કંડલા કસ્ટમ્સ દ્વારા ગાંધીધામ ચેમ્બરને લેખિતમાં જણાવાયું હતું કે, કસ્ટમની પબ્લિક ગ્રીવન્સ રીડ્રેસલ કમિટીની મળેલી બેઠકમાં એવી માહિતી અપાઇ હતી કે,  પબ્લિક બોન્ડેડ વેરહાઉસની મંજૂરી અર્થે કરાયેલી અરજી ડીપીટીના ટ્રાફિક મેનેજરે પરત ખેંચી લીધી છે. જેને પગલે ચેમ્બરે તત્કાલિન ડીપીટી ઇન્ચાર્જ ચેરમેન સંજય ભાટિયાને પણ લેખિત રજૂઆત કરી હતી. માર્ચ મહિનામાં ડીપીટીના ટ્રાફિક મેનેજરે ચેમ્બરને  લેખિત જવાબ આપ્યો હતો, જેમાં જણાવ્યા મુજબ અત્યારે બંદરમાં આયાતી કોલસા માટે 10 લાખ ચો.મી. સંગ્રહ વિસ્તાર ફાળવાયેલો છે જે બે મિ.મે. ટન માલ સંગ્રહવા અપૂરતો છે. અત્યારે 2.5 મિ.મે. ટન માલ ત્યાં પડયો છે. જો પબ્લિક વેરહાઉસમાં તેના સંગ્રહની વ્યવસ્થા કરાય અને માલનો ભરાવો થાય તો જગ્યાના અભાવે ડીપીટી તે સ્થિતિને પહોંચી વળી શકે નહીં. ઉપરાંત પર્યાવરણ પ્રશ્નો પણ ખડા થાય વગેરે કારણો અરજી પરત ખેંચવા માટે જવાબદાર ગણાવ્યા છે. બીજી તરફ વપરાશકાર સૂત્રોના જણાવ્યા પ્રમાણે આયાતી કોલસાનો વધુ સંગ્રહ વપરાશકારોને પોષાય નહીં એટલે માલનો ભરાવો થવાની સંભાવના નથી. જો સગવડ વધે તો ધંધો વધે જેનો ફાયદો બંદર પ્રશાસન, સરકાર અને વપરાશકારો સૌને થાય તેમ છે. બંદર પ્રશાસન આ બોન્ડેડ વેરહાઉસને  લઇને હકારાત્મક બને તે જરૂરી છે. 

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer