સિમેન્ટનો ભાવ પહોંચ્યો વિક્રમી સપાટીએ : ત્રણેક મહિનામાં થેલીએ સો રૂપિયા વધ્યા

ભુજ, તા. 24 : સિમેન્ટના ભાવ વિક્રમી સપાટીએ જવા સાથે ભાવવધારો ચરમ સપાટીએ ગયો છે. એક બેગનો ભાવ 346ને પાર થયો છે. સિમેન્ટ ઉત્પાદન માટે કચ્છ જાણે હબ બની ગયું છે. અહીં વિવિધ કંપનીઓના યુનિટો ધમધમે છે. રોજની લાખો બેગોનું પ્રોડક્શન થાય છે અને લોડિંગ થાય છે. પાછલા થોડા દિવસોથી સિમેન્ટમાં સતત ઉછાળો આવી રહ્યો છે. પાછલા ત્રણ માસમાં સિમેન્ટ બેગમાં રૂા. 90થી 100 જેટલો ભારેખમ ભાવવધારો કરવામાં આવ્યો છે. તોતિંગ ભાવ વધારાને કારણે કન્સ્ટ્રક્શન લાઈનમાં રૂકાવટ આવી છે અને નિર્માણાધિન કાર્યો ઉપર સિમેન્ટ ભાવ વધારાની અસર વર્તાઈ રહી છે. સરકારી કામોમાં પણ બ્રેક લાગી છે. બ્રાન્ડેડ માલ વાપરવાથી જ બિલ પાસ થાય છે. જેના કારણે કોન્ટ્રાક્ટરો માટે મુસીબત ઊભી થઈ છે તેવું જણાવવામાં આવ્યું છે. સિમેન્ટ વિક્રેતા, ડીલરો અને કોન્ટ્રાક્ટરોનો સંપર્ક કરતાં જાણવા મળ્યું છે કે સિમેન્ટનો ભાવ આટલી ઊંચાઈએ ક્યારેય પહોંચ્યો નથી. ભાવ જ્યારે 265 રૂા. હતો ત્યારે પણ ઉત્પાદન ખર્ચ એટલું જ હતું. આજે પણ 350 ઉપર ગયો છે ત્યારે પણ ઉત્પાદન ખર્ચ એટલું જ છે અથવા હશે.ભાવ વધારાથી અકળાયેલા કોન્ટ્રાક્ટરો ખોટ ખાઈને કામ નથી કરવાના. તેઓ નિર્માણકાર્યની ગુણવત્તા નબળી બનાવે છે અને મકાન, પુલ કે પાપડી કે અન્ય કામોની ગુણવત્તા ઉપર માઠી અસર થાય છે. પ્રશાસને કંપનીઓ દ્વારા કરાયેલા ભાવ વધારા સામે લાલ આંખ કરવી જોઈએ તેવું જણાવવામાં આવ્યું છે. 

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer