30મીએ મુંદરામાં રાષ્ટ્રીય વૈજ્ઞાનિકો દ્વારા અવકાશ વિજ્ઞાન અંગે ગોષ્ઠિ

મુંદરા, તા. 24 : શહેરની પૂર્વની ભાગોળે આવેલા બારોઈ ગામના નવનિર્મિત બગીચામાં સપ્તાહ પ્રવૃત્તિ અંતર્ગત આગામી 30 મેના દિવસે સાંજે 7થી 12 કલાકે આંતરરાષ્ટ્રીય ખગોળ વૈજ્ઞાનિક ડો. જે.જે. રાવલની આગેવાનીમાં પાંચ વૈજ્ઞાનિકો અદ્ભૂત વિશ્વ અંગે વાર્તાલાપ કરી બ્રહ્માંડ અંગે ડોક્યુમેન્ટરી ફિલ્મ સાથે દૂરબીનથી ચંદ્રદર્શન અને મંગલયાત્રાથી અવકાશના જ્ઞાન વિજ્ઞાનની રસપ્રદ ચર્ચા ગોષ્ઠી કરશે. મુંબઈ પ્લેનેટરી સોસાયટીના આ વૈજ્ઞાનિકોની ટીમમાં ડો. જે.જે. રાવલ સાથે ધ્રુવલાલ સહાની, વિરેન દવે, બૌજુ નાયર, શ્રીપદ ચવાણ અને પ્રવીણ માહેશ્વરી જેવા ધુરંધર વૈજ્ઞાનિકો કચ્છના ગ્રામીણ વાલી, વિદ્યાર્થીઓ સાથે વિજ્ઞાનની સહજ વાતો કરશે. બગીચા પ્રવૃત્તિના પ્રણેતા લક્ષ્મીચંદ કેનિયા, બારોઈના સરપંચ જીવણજીભાઈ જાડેજા અને ઉપસરપંચ ભોજરાજભાઈ ગઢવી વિશેષ ઉપસ્થિત રહીને વિજ્ઞાનના આ તજજ્ઞોને આવકારશે. સાપ્તાહિક બગીચા પ્રવૃત્તિના સંયોજક ડો. કેશુભાઈ મોરસાણિયાએ મુંદરા-બારોઈ વિસ્તારના ખગોળ વિજ્ઞાનપ્રેમીઓને આ ખગોળીય કાર્યક્રમથી લાભાન્વિત થવા જણાવ્યું છે. બારોઈ જેવા ગ્રામીણ ક્ષેત્રમાં પ્રથમ વખત યોજાઈ રહેલા કાર્યક્રમને સફળ બનાવવા વિકાસભાઈ શેઠ, મોસીન ભજીર અને બ્રિજેશ ચૌધરીની ટીમ વ્યવસ્થા સંભાળશે. 

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer