શાર્પશૂટરોનો સાગરીત પૂનાવાસી રાજુ જબ્બે : આજે ભચાઉ કોર્ટમાં રજૂ કરાશે

શાર્પશૂટરોનો સાગરીત પૂનાવાસી રાજુ જબ્બે : આજે ભચાઉ કોર્ટમાં રજૂ કરાશે
અમદાવાદ/ભુજ, તા. 22 : કચ્છ ભાજપના અગ્રહરોળના નેતા જયંતીભાઇ ભાનુશાલીની ચાલુ ટ્રેને ગોળી મારીને હત્યા થવાના મામલામાં તપાસનીશ ટુકડીએ આજે વધુ એક આરોપી શાર્પશૂટરોના સાગરીત રાજુ ધોત્રેની ધરપકડ કરી હતી. આ પૂનાવાસી તહોમતદારને આવતીકાલે ભચાઉની અદાલતમાં રિમાન્ડની માગણી સાથે રજૂ કરવામાં આવશે. બહાર આવેલી વિગતો અનુસાર મહારાષ્ટ્રમાં પૂના ખાતે સ્ટેશનની આસપાસમાં રહેતો રાજુ ધોત્રે નામનો આ 36 વર્ષીય આરોપી હત્યાના કેસને અંજામ આપવા માટે શાર્પશૂટરો પૈકીના અશરફ અનવર શેખ સાથે મુંબઇથી કચ્છ આવ્યો હતો. આ પછી રેલડી સ્થિત નારાયણ ફાર્મમાં રોકાણ બાદ તા. 7/1ના રાત્રે બન્ને શાર્પશૂટર સાથે રાજુ બાઇક લઇને ત્રણ સવારીમાં ભચાઉના રેલવે મથકે પહોંચ્યો હતો. આ સ્થળે બન્ને શાર્પશૂટરો બાઇક ઉપરથી ઊતરી ગયા હતા અને રાજુ બાઇક લઇને સામખિયાળી ટોલનાકે પહોંચ્યો હતો. જ્યાં તે બાઇક મૂકીને બસમાં સવાર થઇને અમદાવાદ થઇ મુંબઇ ભણી જવા રવાના થયો હતો, તેવું તપાસમાં બહાર આવ્યા પછી આરોપી રાજુની આ ભૂમિકા બદલ તેની ધરપકડ  કરાઇ છે.  અત્રે ઉલ્લેખનીય છે કે ખૂનકેસની તપાસ ચલાવી રહેલી ખાસ તપાસ ટુકડી (સીટ) દ્વારા તાજેતરમાં આ પ્રકરણમાં હાથમાં ન આવેલા આરોપીઓ મનીષા ગોસ્વામી, સુરજિત ભાઉ અને રાજુ ધોત્રેની ધરપકડ માટે ભચાઉની કોર્ટમાંથી કલમ 70  મુજબનું વોરન્ટ મેળવ્યું હતું. આ પછી આજે ત્રણ પૈકીના રાજુની વિધિવત ધરપકડ કરાઇ હતી. તપાસનીશ એજન્સીને સંલગ્ન સૂત્રોના જણાવ્યા મુજબ ધરપકડ બાદ આરોપી રાજુને આવતીકાલે રિમાન્ડની માગણી સાથે ભચાઉની અદાલત સમક્ષ રજૂ કરવામાં આવશે.   

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer