મત્સ્ય ઉત્પાદનમાં મંદીના લીધે જખૌ બંદરથી માછીમારોની વાપસી

મત્સ્ય ઉત્પાદનમાં મંદીના લીધે જખૌ બંદરથી માછીમારોની વાપસી
નલિયા, તા. 22 : પશ્ચિમી છેવાડાના મત્સ્ય બંદર જખૌ ખાતે માછીમારી વ્યવસાયમાં ભારે મંદી હોતાં માછીમારોની વાપસી છેલ્લા એકાદ મહિનાથી શરૂ થઈ છે. આમ તો માછીમારીની સિઝન 10 જૂન સુધી ચાલતી હોય છે. પણ ગત ચોમાસું નિષ્ફળ જતાં સમુદ્રી ફાલ ઓછો મળવાનાં કારણે માછીમારોના ખર્ચા નથી ઉપડયા... ઘણા બધા માછીમારો પોતાની બોટ સાથે પલાયન થઈ ચૂક્યા છે. જખૌ બંદરે એકંદર 1328 બોટ માછીમારી માટે આવી હતી તે પૈકી 780 બોટો પોતાના વતન વલસાડ, કોટડા, વણાંકબારા, વેરાવળ વગેરે પોતાના વતન ભણી માછીમાર પોતાની બોટો સાથે ચાલ્યા ગયા છે. 106 બોટો (મોટી બોટ) જેટીની જમીન પર ઉતારી દેવામાં આવી છે. ચાલુ વર્ષે સિઝન નબળી હોવાનાં કારણે માછીમારોના બોટ સાથેના ખર્ચા ન ઉપડતાં બોટો દરિયામાંથી જમીન પર ઉતારી દેવામાં આવી છે. જે.ટી. પર બોટો ટકરાય નહીં અને કુદરતી વિપરિત સંજોગોમાં બોટ સલામત રહે. દર વર્ષે જખૌ બંદરે દેશના વિવિધ ભાગોમાંથી હજારોની સંખ્યામાં માછીમારો અહીં પોતાની બોટ સાથે પડાવ નાખે છે. ચાલુ વર્ષે માછીમારી મોસમનો સંકેલો થોડો વહેલો થયો છે, તેમ માછીમારોએ જણાવ્યું હતું. સિઝન સારી જાય ત્યારે બંદરની બજારમાં પણ  રોનક હોય છે. માછીમારોની વાપસીનાં કારણે બંદરની બજાર પણ ભેંકાર બની ગઈ છે. દિવસના પણ સૂમસાન વાતાવરણ હોય છે. સિઝનના પૂર્ણ તબક્કે હવે જેલીફિશ મર્યાદિત પ્રમાણમાં મળતાં કેટલાક માછીમારો હજી ટકી રહ્યા છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer