આજે કચ્છની ઉત્કંઠાનું કેન્દ્રબિંદુ ઇજનેરી કોલેજ

આજે કચ્છની ઉત્કંઠાનું કેન્દ્રબિંદુ ઇજનેરી કોલેજ
ભુજ, તા. 22 : કચ્છ લોકસભા સામાન્ય ચૂંટણીની મતગણતરીના દિવસની ચાતક નજરે રાહ જોઇ રહેલા પ્રજાજનોની સાથે ઉમેદવારોની પણ ઉત્કંઠાની ચરમસીમાનો આજે અંતિમ દિવસ ગણી શકાય. ગુરુવારે ભુજ ખાતેની એન્જિનીયારિંગ કોલેજનું મતગણતરી કેન્દ્ર કચ્છની જનતાનું કેન્દ્રાબિંદુ રહેશે.  જિલ્લા ચૂંટણી અધિકારી અને કચ્છ કલેકટર રેમ્યા મોહન અને કચ્છ લોકસભા સામાન્ય ચૂંટણી માટે ચૂંટણી કમિશન દ્વારા નિયુકત કરાયેલા બે ઓબ્ઝર્વર કચ્છ લોકસભાના મતવિસ્તાર હેઠળ આવતી 01-અબડાસા, 02-માંડવી, 03-ભુજ અને 04 અંજાર વિધાનસભા મતવિસ્તાર હેઠળના અભિષેક ક્રિષ્ના (આઇ.એ.એસ.) તેમજ કચ્છ સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ટ 05-ગાંધીધામ, 06-રાપર અને 65-મોરબી વિધાનસભા મતવિસ્તાર માટે ડો. આભા ગુપ્તા (આઇ.એ.એસ.) જનરલ ઓબ્ઝર્વરની સાથે આજે લોકસભાની સામાન્ય ચૂંટણીના હાર્દસમા અને મતગણતરી જ્યાં થવાની છે, એવા કાઉન્ટિંગ હોલમાં વહીવટી તંત્રના અધિકારીઓ - કર્મચારીઓની રાત-દિવસની મહેનત મતગણતરીની ગોઠવાયેલી સંપૂર્ણ વ્યવસ્થાનું તેઓએ બારીકાઇથી નિરીક્ષણ કર્યું હતું.   વહીવટી તંત્ર દ્વારા  મતગણતરીની તમામ વ્યવસ્થાઓ પૂર્ણપણે  આવતીકાલનો ઇંતેજાર કરી રહી છે ત્યારે આજે તેઓએ કાઉન્ટિંગ હોલ સહિત અગત્યના કાર્યો ઉપર જ્યાંથી દેખરેખ રાખવાની છે એવા સીસી ટીવી કેમેરા કંટ્રોલરૂમ, ઉમેદવારો-એજન્ટોની બેઠક વ્યવસ્થા, મીડિયાકર્મીઓ માટેના રૂમમાં રાઉન્ડવાઇઝ મતગણતરીના આંકડા દર્શાવતી એલઇડી, રાજ્ય અને રાષ્ટ્રીય ન્યૂઝ ચેનલોનું પ્રસારણ, મતગણતરી પ્રક્રિયા, સીસી ટીવી ફૂટેજ જોઇ શકાય તેવી વ્યવસ્થા ઉપરાંત બ્રોડબેન્ડ સુવિધાવાળા કોમ્પ્યુટરો, ટેલિફોન, મીડિયારૂમ જેવી સમગ્ર વ્યવસ્થાઓનું નિરીક્ષણ પણ કર્યું હતું.  મતગણતરી કેન્દ્ર ખાતે સૌપ્રથમ પોસ્ટલ બેલેટની ગણતરી થવાની છે, બાદમાં ઇવીએમના વિધાનસભા બેઠકવાર જેમ-જેમ કાઉન્ટિંગના રાઉન્ડ પૂર્ણ થતાં જશે એમ-એમ ડ્રો  દ્વારા નક્કી થયેલા વિધાનસભા બેઠકવાર પાંચ-પાંચ વીવીપેટની સ્લીપોની ગણતરી કરાશે. આ માટે પીજીયન બોક્સ, રાઉન્ડવાઇઝ મળેલા મતો લખવા માટેના બોર્ડ, વિવિધ મતગણતરી કેન્દ્રો તરફ જવાના સાઇનબોર્ડ, વ્યવસ્થિત ગોઠવાયેલા ટેબલ-ખુરશી સાથે મતગણતરીની તમામ તૈયારીઓથી ભુજની એન્જિનીયારિંગ કોલેજ ધમધમતી બની ગઇ છે.  પશ્ચિમ વિભાગના પોલીસવડા સૌરભ તોલંબિયાના માર્ગદર્શન હેઠળ પોલીસ જવાનો મતગણતરી કેન્દ્રની કાયદો-વ્યવસ્થા, ટ્રાફિક સહિતની સુચારુ સુરક્ષાવ્યવસ્થા સંભાળતા હોવાનાં દૃશ્યો પણ જોવા મળ્યા હતા.મતગણતરીની પૂર્ણ થયેલી તંત્રની તૈયારીના નિરીક્ષણમાં અધિક નિવાસી કલેકટર કે.એસ. ઝાલા, નાયબ ચૂંટણી અધિકારી એમ.બી. પ્રજાપતિ સહિત ભુજ પ્રાંત આર.જે. જાડેજા, મુંદરા પ્રાંત એ.કે. વસ્તાણી, અંજાર પ્રાંત ડો. વિજયભાઈ જોષી, નાયબ કલેકટર એસ.એમ. કાથડ, નખત્રાણા પ્રાંત  જી.કે. રાઠોડ, અબડાસા પ્રાંત ડી.એ. ઝાલા, ભચાઉ પ્રાંત  પી.એ. જાડેજા સહિત ચૂંટણી શાખાના નાયબ મામલતદારો પુલિનભાઈ ઠાકર, પી.જી. સોલંકી, ડીઆરડીએના નીરવભાઈ પટ્ટણી સહિત અન્ય વિભાગોના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. 

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer