ગૌધનને બચાવવા વધુને વધુ દાન માટે અપીલ

ગૌધનને બચાવવા વધુને વધુ દાન માટે અપીલ
કેરા, (તા. ભુજ) તા.22 : કેરા કુંદનપર લેવા પટેલ શિક્ષણ ટ્રસ્ટ સંચાલિત હાઇસ્કૂલના કમ્પાઉન્ડમાં દાતા અશોકભાઇ વેલજી વેકરિયાના સહયોગથી અખંડ ભારતના નિર્માતા સરદાર વલ્લભભાઇ પટેલની પૂર્ણ કદની મૂર્તિ સંસ્થાને અર્પણ કરાઇ હતી. મૂર્તિ અનાવરણ મણિનગર ગાદી સંસ્થાનના આચાર્ય પુરુષોત્તમ પ્રિયદાસજીના હસ્તે કરવામાં આવ્યું હતું તેમની સાથે સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થાના પ્રમુખ વિનોદભાઇ પાંચાણી, મંત્રી દેવેન્દ્ર વાઘજીયાણી, ઉપપ્રમુખ વસંત પટેલ દ્વારા સંતોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સંસ્થાના ટ્રસ્ટીઓ ચારેય પાંખના કર્મચારીઓ આઇ.ટી.આઇ.ના તાલીમાર્થીઓ હાજર રહ્યા હતા. લાલજીભાઇ ગામી, રમેશભાઇ હરશીયાણી, જેઠાલાલ નારદાની, ધીરજભાઇ લાધાની મનજીભાઇ હરશીયાણી, સહદેવસિંહ જાડેજા, સુલતાનભાઇ મોરાણી, વિશ્રામભાઇ હાલાઇ, વેલજીભાઇ કેરાઇ, ઘનશ્યામભાઇ ટપરિયા, કે. સી. ભટ્ટ, જે. ડી. રૂપારેલ (આચાર્ય આઇ. ટી. આઇ.) હાઇસ્કૂલના આચાર્ય જિજ્ઞાસાબેન રાઠોડ અને સાંખ્યયોગી બહેનો ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થાના પ્રમુખે એસ.એસ.સી.નું આ શાળાનું રિઝલ્ટ 74 ટકા આવતાં સ્ટાફની મહેનત સંતોના આશિષ તેમજ ટ્રસ્ટીઓની લગનને બિરદાવી હતી. મણિનગર ગાદી સંસ્થાનના આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજીનું મોમેન્ટો અને શાલ અર્પણ કરી સન્માન કરાયું હતું. કેરા જડેશ્વર મહાદેવ મંદિર પરિસર ખાતે સંતો મહંતોની પધરામણી સ્કૂલથી મંદિર સુધી રેલી સ્વરૂપે થઇ હતી. કેરા અને આસપાસના રખડતા ભટકતા ગૌવંશની સેવા કરતાં દેવશીભાઇ વેકરિયા, દેવજીભાઇ હાલાઇ, રવિલાલ હીરાણી, નારાણભાઇ હાલાઇ, ગોપાલભાઇ હરશીયાણી, પ્રશાંતભાઇ ભટ્ટ, મુકેશ વરસાણી અને સમગ્ર ગ્રામજનોના સહકારથી ચાલતાં ઢોરવાડાની મુલાકાત લઇ આચાર્ય સ્વામીએ ગૌધનને બચાવવા માટે વધારે ને વધારે દાન આપવાની હાકલ કરી હતી જેને ભક્તોએ વધાવી લીધી હતી. ગૌસેવા કરતા જડેશ્વર  ગૌસેવા સમિતિના સભ્યોની સેવાને બિરદાવાઇ હતી. નરેન્દ્ર વાઘજીયાણી, નરેન્દ્ર ભોજાણી સહિતના આગેવાનો હાજર    રહ્યા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer