સુવર્ણ સિંહાસન અર્પણ થવા સાથે ભુજ સ્વામિ. મંદિરમાં વધુ એક સુવર્ણ ઇતિહાસ આલેખાયો : મહંત સ્વામી

સુવર્ણ સિંહાસન અર્પણ થવા સાથે ભુજ સ્વામિ. મંદિરમાં વધુ એક સુવર્ણ ઇતિહાસ આલેખાયો : મહંત સ્વામી
વસંત પટેલ દ્વારા
કેરા (તા. ભુજ), તા. 22 : દુકાળતપ્ત ગાયો માટે નીરણ કેન્દ્રો, આરોગ્યસેવા માટે મેડિકલ કેમ્પ, સરહદે ભેડિયાબેટ હનુમાનજી મંદિર સર્જનથી રાષ્ટ્રસેવા, હિન્દુત્વ માવજત સહિતની સાર્વજનિક પ્રવૃત્તિઓ અવિરત રાખનાર ભુજ સ્થિત સ્વામિનારાયણ?મંદિર પહેલાં હતું તે ઉપલીપાળ પ્રસાદી મંદિર પાટોત્સવની સાક્ષીએ ઘનશ્યામ મહારાજને અંદાજે ત્રણેક કરોડનું સુવર્ણ સિંહાસન અર્પણ થવા સાથે વધુ એક ધાર્મિક સમર્પણ અને શ્રદ્ધાનો ઇતિહાસ આલેખાયો છે. આવા વચનો સાથે યજમાન પરિવારોને સુખ-સમૃદ્ધિ અને કલ્યાણ ભવ:ના આશીર્વાદ મહંત સ્વામી ધર્મનંદનદાસજીએ આપ્યા ત્યારે નરનારાયણદેવ અને કચ્છ સત્સંગનો જયઘોષ ગાજી ઊઠયો હતો. બુધવારે આચાર્ય કૌશલેન્દ્રપ્રસાદજી મહારાજ, મહંત સ્વામી, પુરાણી પ્રેમપ્રકાશદાસજી સ્વામી, કોઠારી પાર્ષદવર્ય જાદવજી ભગત, પુરાણી દેવકૃષ્ણદાસજી સ્વામી, સુવર્ણ પ્રેરક સ્વામી શ્રીહરિદાસજી પુરાણીના હસ્તે યજમાન પરિવારો રવજીભાઇ જાદવા ખીમાણી, ધ.પ. ભાવિકાબેન, પિતા જાદવા રામજી ખીમાણી, કાનબાઇ સમગ્ર પરિવાર દહીંસરા, કાંતિભાઇ મૂરજી મેપાણી, ધ.પ. પૂનમબેન, પિતા મૂરજી માવજી મેપાણી સહપરિવાર મદનપુર (સુખપર-ભુજ) અને પ્રેમજીભાઇ હીરજી હાલાઇ, ધ.પ. જશુબેન, પિતા હીરજીભાઇ વાલજી હાલાઇ સહપરિવાર સૂરજપર ત્રણેય પરિવારોની ઉપસ્થિતિમાં કરોડોનું કલાત્મક સુવર્ણ સિંહાસન ઘનશ્યામ મહારાજને શ્રદ્ધાભેર અર્પણ થયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, દહીંસરાના રવજીભાઇ જાદવા ખીમાણીએ માત્ર 33 વર્ષની વયે આ દાન આપ્યું છે. જેણે ડિસેમ્બરમાં કચ્છી લેવા પટેલ સમાજ ભુજમાં બનનારી કેન્સર, હૃદય, કિડની હોસ્પિટલ માટે 51 લાખ રૂપિયાની સખાવત કરી હતી. તેમના દ્વારા દહીંસરા ગામમાં સસ્તા દરે ચારો  અપાઇ?રહ્યો છે. દાતા પરિવારોની પહેરામણી સ્મૃતિચિહ્ન, શાલ, કંઠી, આશીર્વાદપત્ર સાથે કરાઇ હતી. ભૌતિક સુવર્ણ અર્પણ ભલે થાય પણ હરિભકતો હૃદયમાં સુવર્ણ સરીખી શુદ્ધ ભક્તિ રાખજો તેવી વાત આચાર્ય મહારાજે કરી હતી, તો મહંત પુરાણી ધર્મનંદનદાસજી સ્વામીએ આશીર્વાદ આપી દાતાઓની ભક્તિ-શ્રદ્ધાને મુઠ્ઠી ઊંચેરી લેખાવી હતી.  સભાપતિ શાત્રી કૃષ્ણવિહારી, શાત્રી ઘનશ્યામનંદનદાસજીએ શબ્દ સંકલન કર્યું હતું. સાંજના સત્રમાં રાજોપચાર અનુષ્ઠાનમાં શ્રીહરિને ફૂલડે વધાવાયા હતા. સમગ્ર ઉત્સવનું માતૃછાયા કેબલ પરથી જીવંત પ્રસારણ થઇ?રહ્યું છે. કાલે તા. 23/5ના લોકમત પ્રગટ થવાના દિને નરનારાયણ દેવનો મહાભિષેક, અન્નકૂટ દર્શન યોજાશે. કથા સત્રમાં નગરપાલિકાના રાજેન્દ્રસિંહ હકૂમતસિંહ જાડેજા, મંદિરના ઉપકોઠારી મૂરજીભાઇ સિયાણી, ટ્રસ્ટી શશિકાંતભાઇ ઠક્કર, જાદવજીભાઇ ગોરસિયા, રામજીભાઇ દબાસિયા, મંદિરનો શિક્ષણ વિભાગ સંભાળતા પ્રવીણભાઇ પિંડોરિયા, લક્ષ્મણભાઇ સિયાણી સહિત અનેક ક્ષેત્રના આગેવાનો હાજર રહ્યા હતા.આ પ્રસંગે  દહીંસરાના હરિભકત સોની પરિવારની સિંહાસન સર્જન માટે પહેરામણી કરાઇ?હતી. દહીંસરાના સરપંચ કિશોરભાઇ ખીમાણી અને મંદિરના પ્રવીણભાઇ ખીમાણીની ખાસ નોંધ લેવાઇ હતી. સ્વામી ધ્યાનસ્વરૂપદાસજી, પ્રેમવલ્લભદાસજી સ્વામી, હરિજીવનદાસજી સ્વામીએ સંગીત પીરસ્યું હતું. સાંખ્યયોગી મહંત સામબાઇ ફઇના હસ્તે કર્મયોગી દાતા બહેનોની પહેરામણી કરાઇ હતી. જ્યારે ખીમાણી પરિવારના ત્યાગી બહેનની નોંધ લેવાઇ?હતી. શોભાયાત્રામાં ઊમટેલી ચોવીસીની કીર્તન મંડલીઓ ગરમી રક્ષક ટોપીઓ સાથે આગળ વધતાં મુખ્ય મંદિરથી પ્રસાદી મંદિર સુધી શ્વેત સરિતા જેવાં દૃશ્યો સર્જાયાં હતાં.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer