જ્યારે રાહુલ ગાંધીએ કચ્છના અગ્રણીની પીઠ થપથપાવી

જ્યારે રાહુલ ગાંધીએ કચ્છના અગ્રણીની પીઠ થપથપાવી
ગાંધીધામ, તા. 22 : મધ્યપ્રદેશ વિધાન સભાની ચૂંટણીમાં પાંચ બેઠકોના નિરીક્ષક તરીકે નોંધપાત્ર કામગીરી કરી જીત હાંસલ કરાવનારા કચ્છ કોંગ્રેસના અગ્રણીની લોકસભા ચૂંટણી દરમ્યાનની કામગીરીને પક્ષના રાષ્ટ્રીય પ્રમુખે બીરદાવી કચ્છી અગ્રણીની પીઠ થપથપાવી હતી. મધ્યપ્રદેશના ખંડાવા જિલ્લામાં કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર અને યુપીએ સરકારમા કેન્દ્રીયમંત્રી તરીકે રહી ચૂકેલા અરુણ યાદવને જીતાડવા માટે રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધીએ ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીના કોઓર્ડિનેટર તરીકે કચ્છ કોંગ્રેસના અગ્રણી હકુભા જાડેજાને જવાબદારી સોપી છે. કોઓર્ડિનેટર તરીકે તેમણે કોંગ્રેસના ઉમેદવારને જંગી બહુમતીથી જીતાડવા માટે વ્યૂહરચના અને વ્યવસ્થાપન ઘડી કાઢયું છે. 8 વિધાનસભા બેઠક સમાવિષ્ટ ખંડવા લોકસભા બેઠકમાં પક્ષની પરિસ્થિતિ આંતરિક ખેંચતાણના કારણે નબળી હતી. આ વિસ્તારમાં ક્ષત્રિયોનું પ્રભુત્વ વધુ હોવાથી તે બાબતને ધ્યાને લઈ કચ્છી અગ્રણીને જવાબદારી  સોંપવામાં આવી છે.  હકુભા જાડેજાએ નાની મોટી 60 જેટલી બેઠકો કરી અલગ અલગ જૂથમાં વહેચાયેલા લોકોને એકત્ર કર્યા છે. તાજેતરમાં યોજાયેલી સભામાં રાહુલ ગાંધીએ તેમની કામગીરીને બીરદાવી હતી. તેઓ ચાર મહિનાથી આ બેઠક અંકે કરવા માટે કામે લાગ્યા છે. વિધાનસભાની ચૂંટણી દરમ્યાન અશોક નગર અને ગુના જિલ્લાની પાંચ બેઠકોનો કાર્યભાર સોંપવામાં આવ્યો હતો. જે પૈકી અઢી દાયકા કરતાં વધુ સમયથી ભાજપ પાસે રહેલી એક બેઠક આંચકી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer