મુંદરા-ગાંધીધામ હાઇવે પર મોખા પાસે પુલિયાની બેસી ગયેલી માટી જોખમી

મુંદરા-ગાંધીધામ હાઇવે પર મોખા પાસે પુલિયાની બેસી ગયેલી માટી જોખમી
વવાર (તા. મુંદરા), તા. 22 : મુંદરા-ગાંધીધામ હાઇવે પર મોખા પાસે બનેલા પુલિયાની માટી બેસી જતાં મોટો ખાડો પડી ગયો છે. જે પૂરપાટ આવતા વાહનો માટે જોખમરૂપ છે. પુલ નીચેથી નર્મદા કેનાલ પસાર થાય છે. પુલ પર ચડવા માટે નાખેલી માટી ધીમે ધીમે બેસી રહી છે ત્યારે સતત ધમધમતા આ રોડ પર અકસ્માતનો ભય વાહનચાલકોને સતાવી રહ્યો છે. અહીંના જાગૃત નાગરિકોએ કહ્યું હતું કે, આ ખાડાને લીધે રોજ બાઇકસવારો પડે છે એ નજરે જોઇએ છીએ. પૂરપાટ આવતાં વાહનો માટે અત્યંત જોખમી સમસ્યા છે. વાહનચાલકોએ કહ્યું હતું કે, એનું કામ તો થશે ત્યારે સાચું પણ રોડ પર કંઇક સૂચના બોર્ડ તો લગાવો જેથી અજાણ વાહનચાલક વાહન ધીમું કરે અને અકસ્માતથી બચી શકે. વાહનોથી સતત ધમધમતા આ રોડ પર ગંભીર સમસ્યા સામે જવાબદાર તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. રાત્રે આ સમસ્યા વધુ જોખમી બની જાય છે. આ ખાડાનું સમારકામ જલ્દી થાય તેવી આ વિસ્તારના લોકો તેમજ વાહનચાલકો માગણી કરી રહ્યા છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer