ભુજમાં આજે વિજયને વધાવવા ભાજપ-કોંગ્રેસમાં થનગનાટ

ભુજ, તા. 22 : લોકસભાના પરિણામને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે કચ્છમાં ભાજપ અને કોંગ્રેસ પક્ષે વિજયના વિશ્વાસ સાથે ઉજવણીને આખરી ઓપ અપાયો છે. આ અંગે ઉજવણીની તૈયારી બાબતે જાણવા પ્રયાસ કરતાં ભાજપના ઉમેદવાર વિનોદભાઇ ચાવડા વિજયી થયે પ્રથમ આશાપુરા મંદિરે માથું ટેકવવા જશે અને ત્યાંથી વિજયરથનો પ્રારંભ થશે જે પ્રથમવાર શહેરની બજારમાંથી પસાર થશે. એલઇડી અને લાઇટોથી સજ્જ રથ સાથે ડીજે સિસ્ટમ અને નાસિક ઢોલના ગ્રુપના સથવારે વિજયોત્સવ મનાવાશે. વિજય સરઘસ સાથે જ સ્વામીનારાયણ મંદિરે દર્શન કરવા જશે. આ અવસરે અંદાજે પાંચથી છ હજાર જેટલા પક્ષના અગ્રણીઓ, હોદ્દેદારો, સભ્યો જોડાશે. સાથોસાથ ફૂલોના હાર તથા મીઠાઇના ઓર્ડર પણ અપાઇ ગયા હોવાનું જાણવા મળ્યું હતું. તો, કોંગ્રેસ પક્ષમાં પણ ઉત્સાહ ફેલાયો હોવાની માહિતી પ્રાપ્ત થઇ હતી. પક્ષના ઉમેદવાર નરેશભાઇ મહેશ્વરી વિજયી બનશે તો પક્ષના મોવડીઓ, સભ્યો ઉમળકાભેર આવકારશે. મોઢું મીઠું કરાવવા સાથોસાથ વિજય સરઘસ પણ કઢાશે જેમાં મોટી સંખ્યામાં પક્ષના અગ્રણીઓ, હોદ્દેદારો, સભ્યો જોડાશે તેવી માહિતી પ્રાપ્ત થઇ હતી. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer