કંડલામાં 14 અને 16 જેટી હજુ હમણા બની ત્યાં હવે તેમાં વધારાનું પ્લેટફોર્મ બંધાશે !

ગાંધીધામ, તા. 22 : દીનદયાળ પોર્ટ ટ્રસ્ટના ટ્રસ્ટી બોર્ડની 28મીએ મળનારી બેઠકમાં રજૂ થનારા એજન્ડા પૈકી બર્થ નં. 14 અને 16ને હજુ વધુ લંબાવવા પ્લેટફોર્મ બનાવવાના એજન્ડાએ પ્રશ્નો ખડા કર્યા છે. લગભગ 530 કરોડના ખર્ચે બંધાયેલી આ બંને જેટીની જ્યારે ડિઝાઈન બની ત્યારે તેની      લંબાઈ વધારવી પડશે તેવું કેમ કોઈનું ધ્યાન ન ગયું તે બાબત મહત્ત્વની છે. ડીપીટીના વિશ્વાસપાત્ર સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે વધુ ડ્રાફટ મેળવવા અને જહાજોને આસાનીથી હેન્ડલ કરવા હવે આ બંને જેટીની આગળ વધારાનું પાઈલ્ડ પ્લોટફોર્મ બાંધવાનું નક્કી કરાયું છે.  આ અંગેના એજન્ડા 28મીની બેઠકમાં એજન્ડા વોલ્યુમ નં. 2માં  બે અને ત્રણ નંબરે મૂકવામાં આવ્યા છે. સૂત્રોના કહેવા મુજબ રૂા. 253 કરોડના ખર્ચે 14 નંબરની  જેટી બાંધવામાં આવી છે. જેમાં 13 મીટરનો ડ્રાફટ મેળવાશે તેવું કહેવાયું હતું. પાઈલ ફાઉન્ડેશન ઉપર તેની લંબાઈ-પહોળાઈ 300 મીટર ડ્ઢ 55મીટરની છે. આવી જ રીતે 16 નંબરની જેટી રૂા. 287 કરોડના ખર્ચે બાંધવામાં  આવી છે. તેનો ડ્રાફટ પણ 13 મીટરનો અને લંબાઈ તથા પહોળાઈ 350ડ્ઢ55 મીટરની રખાઈ છે.  હવે આ જેટીઓ સંપૂર્ણ બંધાઈ ગયા પછી ડીપીટીના નિષ્ણાતોને ધ્યાન ગયું છે કે તેની દરિયામાં લંબાઈ વધારવાની જરૂર છે. આથી આ બંને જેટીઓની આગળ વધારાનું પાઈલ્ડ પ્લોટફોર્મ બાંધવા નવેસરથી કાર્યવાહી શરૂ થઈ છે. ડીપીટીના આ નવા નિર્ણયથી જાણકારોમાં ચર્ચા શરૂ થઈ છે. જેનો પડધો આગામી બોર્ડ બેઠકમાં ચોક્કસ પડશે તેવું જાણવા મળે છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer