કનૈયાબે પાસેની કંપનીમાં ચોરી કરવા ઘૂસેલા ચાર ઇસમ સામે નોંધાયો ગુનો

ભુજ, તા. 22 : ભુજ-ભચાઉ વાયા દુધઇ માર્ગ ઉપર તાલુકામાં કનૈયાબે ગામ નજીક કાર્યરત એશિયા મોટર વર્કસ કંપનીમાં વ્યવસ્થિત ઢબે ચોરી કરવા માટે ઘૂસેલા કનૈયાબે ગામના ચાર ઇસમનો મામલો સપાટીએ આવ્યા બાદ આ પ્રકરણમાં કંપની દ્વારા વિધિવત પોલીસ ફરિયાદ દાખલ કરાવાઇ છે. અગાઉની એક ચોરીમાં પકડાયેલા ઇસમની પૂછતાછમાં આ વિગતો બહાર આવી હતી.પોલીસ સાધનોએ આપેલી જાણકારી મુજબ આ પ્રકરણમાં કનૈયાબે ગામના ઇકબાલશા ઇબ્રાહીમશા શેખ, જુશબશા ઇબ્રાહીમશા શેખ, અમીનશા હુશેનશા શેખ અને મોદીશા સાહેબશા શેખ સામે કંપનીના સલામતી વિભાગના અલ્તાફહુશેન અબ્દુલ્લ અન્સારે ફરિયાદ લખાવી હતી. ફરિયાદમાં લખાવાયા અનુસાર આરોપીઓ કંપનીના લોડિંગ-અનલોડિંગ વિભાગના પ્લાન્ટ ખાતે લાગેલી જાળી કાપીને ગત તા. 1લીના અંદર ઘૂસ્યા હતા. તેમણે ટ્રકના ચાર ટાયર તથા 200 મીટર કેબલ વાયર તફડાવ્યો હતો. સાથેસાથે કંપનીનો વોચટાવર પણ કાપી નાખ્યો હતો. આ કૃત્યમાં રૂા. બાર હજારની નુકસાની સર્જાઇ હતી. પણ સરવાળે તેમનો ચોરીનો કારસો વિફળ રહ્યો હતો.દરમ્યાન અગાઉની એક ચોરીના મામલામાં આરોપીઓ પૈકીનો ઇકબાલશા ઇબ્રાહીમશા શેખ પકડાતાં તેની પૂછતાછમાં ચોરીના પ્રયાસની આ ઘટના પણ સપાટીએ આવી હતી. આ પછી કંપનીએ ફરિયાદ લખાવી હતી.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer