કોઠાવાળી ક્રીકમાંથી પાકિસ્તાની બોટ સાથે બે ઘૂસણખોર ઝડપાયા

કોઠાવાળી ક્રીકમાંથી પાકિસ્તાની  બોટ સાથે બે ઘૂસણખોર ઝડપાયા
નારાયણસરોવર (તા. લખપત), તા. 20 : કચ્છની દરિયાઇ કોઠાવાળી ક્રીકમાંથી આજે પાકિસ્તાની બોટ સાથે બે ઘૂસણખોરો ઘૂસી આવતાં સીમા સુરક્ષા દળના જવાનોએ દબોચી લીધા હતા. જો કે, આ ઘૂસણખોરો પાસેથી માછીમારીની ચીજ-વસ્તુઓ સિવાય કશી શંકાસ્પદ સામગ્રી મળી નથી. સીમા સુરક્ષા દળના જવાનો આજે જ્યારે સ્પીડ બોટ મારફત અટપટ્ટી ક્રીકોમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે સવારે 11.30 વાગ્યા આસપાસ કોઠાવાળી ક્રીક પાસે ભારતીય દરિયાઇ સરહદમાં ઘૂસી આવેલી પાકિસ્તાની બોટ નજરે ચડતાં ઝડપી લીધી હતી. આ બોટ સાથે બે પાકિસ્તાની ઘૂસણખોરને પકડી લીધા બાદ કોટેશ્વરના કાંઠે લઇ સઘન પૂછપરછ હાથ ધરી હતી. ઝડપાયેલી પાકિસ્તાની બોટ અને ઘૂસણખોરો પાસેથી ત્રણ મોબાઇલ ફોન, પચીસ કિલ્લા માછલી તથા ચાલીસ કિલ્લો કેકડા તેમજ માછીમારીની સાધન-સામગ્રી સિવાય કાંઇ વાંધાજનક વસ્તુઓ મળી આવી ન હોવાથી હાલ પ્રાથમિક તબક્કે માછી પકડવાની લ્હાયમાં દરિયાઇ સરહદ ઓળંગીને ભારતીય સીમામાં આ પાકિસ્તાની માછીમારો ઘૂસી આવ્યાનું જણાઇ રહ્યું છે. આમ છતાં દળની પૂછપરછ બાદ પોલીસ હવાલે કરાશે અને ત્યારબાદ ભુજ ખાતે સંયુક્ત પૂછતાછ કેન્દ્રમાં લઇ તેની સઘન પૂછતાછ થશે.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer