પલાંસવામાં ભાજપ-કોંગ્રેસના સભ્યો સાથે જ જુગાર રમતાં પોલીસના હાથે ઝડપાયા

પલાંસવામાં ભાજપ-કોંગ્રેસના સભ્યો સાથે જ જુગાર રમતાં પોલીસના હાથે ઝડપાયા
ગાંધીધામ, તા. 20 : વાગડ પંથકમાં એક દિવસના વિરામ બાદ ફરી પોલીસે શકુનિશિષ્યો સામે કાર્યવાહી કરી હતી. પૂર્વ કચ્છ સ્થાનિક ગુનાશોધક શાખા અને રાપર પોલીસે પાડેલા જુગારના બે દરોડામાં મોટા માથા સહિત 10 શખ્સો પાંજરે પૂરાયા હતા. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ પૂર્વ બાતમીના આધારે એલ.સી.બી.ની ટુકડીએ રાપર તાલુકાના પલાંસવા ગામમાં ગત મોડી સાંજના અરસામાં કાર્યવાહી કરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમ્યાન ભાજપ-કોંગ્રેસ સાથે સંકળાયેલા લોકો જુગાર રમતાં પોલીસની ઝપટમાં આવી ગયા હતા. રાપર તાલુકા પંચાયતના કોંગ્રેસી સદસ્ય લખમણ નારણ સોલંકી, અરવિંદ ધારશી લુહાર, મહેશ ધારશી લુહાર, રાપર તાલુકા પંચાયતના પૂર્વ સદસ્ય અને ભાજપના આગેવાન વેલજી ઉર્ફે પેથા ડાયા સોલંકી, રામજી હીરા પ્રજાપતિ, ગણેશ જેમલ ઉમટને પોલીસે ઝડપી પાડયા હતા. આ કાર્યવાહી દરમ્યાન રોકડા રૂા. 38,430, એક બાઈક, રૂા. 27,500ની કિંમતના 6 નંગ મોબાઈલ ફોન સહિત કુલ રૂા. 85 હજારની કિંમતનો મુદ્દામાલ હસ્તગત કરાયો હતો. બીજી બાજુ રાપર પોલીસે તાલુકાના ખીરઈ ગામમાં પૂર્વ બાતમીના આધારે દરબાર ફળિયામાં ગઈકાલે સાંજે પાંચ વાગ્યાના અરસામાં દરોડો પાડયો હતો. આરોપીઓ રાજન વસંતલાલ જોષી, વલીમામદ નૂરમામદ રાઉમા, દિનેશ હોથી કોલી અને રમેશભા રામભા ગઠવીને તીનપત્તી વડે હાર-જીતનો જુગાર રમતાં પોલીસે રંગેહાથ ઝડપી પાડયા હતા. પડમાંથી રોકડા રૂા. 14,550, જી.જે. 12. સી.ડી 7174 નંબરની લાખની કિંમતની ડસ્ટર કાર, રૂા. 1500ની કિંમતના 3 મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ કબ્જે કરાયો હતો.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer