ભુજ પ્રસાદી મંદિર સુવર્ણ સિંહાસન અર્પણ મહોત્સવમાં શ્રીહરિ પ્રાગટયની ઉજવણી શરૂ

ભુજ પ્રસાદી મંદિર સુવર્ણ સિંહાસન અર્પણ  મહોત્સવમાં શ્રીહરિ પ્રાગટયની ઉજવણી શરૂ
કેરા, તા. ભુજ, તા. 20 : કચ્છ સત્સંગના નાભિકેન્દ્ર સમા ભુજ સ્વામિનારાયણ પ્રસાદી મંદિર (પાળેશ્વર ચોક) મધ્યે બિરાજિત ઘનશ્યામ મહારાજ આદિ દેવોના નવમા વાર્ષિક પાટોત્સવની સાક્ષીએ સમર્પિત હરિભક્તો દ્વારા સુવર્ણ સિંહાસન અર્પણ કરવાનો પાંચ દિવસીય મહોત્સવ આરંભાયો છે. સોમવારે સાંજે ઘનશયામ જન્મોત્સવમાં કથાસ્થળ છપૈયામાં ફેરવાયું હતું. ગામ દહીંસરાના યુવા સત્સંગી દાતા રવજીભાઇ જાદવા ખીમાણી - ધ.પ. ભાવિકાબેન રવજી ખીમાણી સમગ્ર પરિવાર (નાઇરોબી-કેન્યા), ગામ સુખપર ભુજ કાન્તિભાઇ મુરજી મેપાણી ધ.પ. પૂનમબેન કાન્તિ મેપાણી સહપરિવાર (કંપાલા યુગાન્ડા) તેમજ ગામ સૂરજપરના પ્રેમજીભાઇ હીરજી હાલાઇ ધ.પ. જશુબેન પ્રેમજી હાલાઇ સમગ્ર પરિવાર (નાઇરોબી) ત્રણેય પરિવારોના સંયુક્ત યજમાનપદ હેઠળ તા. 22/5 બુધવારે સવારે 11 વાગ્યે આચાર્ય મહારાજની ઉપસ્થિતિમાં મહંત સ્વામી આદિ સંતોના હસ્તે ઘનશ્યામ મહારાજ સુવર્ણ સિંહાસન કચ્છ સત્સંગને અર્પણ કરાશે. અતિ કલાત્મક અને 24 કેરેટ સુવર્ણના સિંહાસનનું દાન સંતપ્રેરણાથી આપનારા આ ત્રણેય યજમાન પરિવારોની નોંધ લેવાઇ હતી. સત્સંગી જીવનકથા અંતર્ગત વક્તા શાત્રી ગોલોકવિહારીદાસજી, શાત્રી કૃષ્ણસ્વરૂપ સ્વામી, શાત્રી આનંદસ્વરૂપ સ્વામી શાત્ર સમજાવી રહ્યા છે. સવારના સત્રમાં વિદ્વાન વક્તા શાત્રી અક્ષરપ્રકાશદાસજી સ્વામીએ ભુજ સ્વામિનારાયણ મંદિરની સંતપરંપરાના ઐક્ય, સત્સંગ દ્રઢતા અને નિખાલસ પવિત્ર ઇતિહાસ અને વર્તમાનની વાત વિગતે કરી હતી. માંડવી મંદિરના મહંત સ્વામી કેશવજીવનદાસજી સ્વામીએ પ્રસાદી મંદિરમાં સ્થાપિત દેવોના વિશ્વાસે સંતોએ કેવો કપરો કાળ પાર કર્યો તેનો ઇતિહાસ વર્ણવ્યો હતો. બપોરના સત્રમાં ધૂમધામથી ઘનશ્યામ જન્મોત્સવ ઊજવાયો હતો. રાત્રે શાત્રી હરિજીવનદાસજી સ્વામીએ દ્રશ્ય- શ્રાવ્ય માધ્યમોથી સદ્સંદેશ આપ્યો હતો. ભાજપના વિજયના આશીર્વાદ માગતાં સાંસદ વિનોદભાઇ ચાવડા અને ધારાસભ્ય નીમાબેન આચાર્યે કથામાં હાજરી આપી ભાઇઓ-બાઇઓના વિભાગમાં સંતો સાંખ્યયોગી બહેનોના આશીર્વાદ લીધા હતા. તાલુકા ભાજપ પ્રમુખ ધનજીભાઇ ભુવા, જિલ્લા સભ્ય જીતુભાઇ માધાપરિયા, તાલુકા ઉપપ્રમુખ હિતેશ ખંડોલ સહિતના રાજકીય પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. દહીંસરાના સરપંચ કિશોરભાઇ પિંડોરિયા, પ્રવીણભાઇ પિંડોરિયા, દહીંસરા, સુખપર, સૂરજપર સહિત ચોવીસી - આફ્રિકા, યુ.કે. ઓસ્ટ્રેલિયા અને અખાતી દેશોમાંથી બહોળી સંખ્યામાં હરિભક્તો યજમાન પરિવારના સ્નેહે પધાર્યા છે. સમગ્ર ઉત્સવ ભુજ મંદિરના મહંત પુરાણી ધર્મનંદનદાસજી સ્વામી, પુરાણી પ્રેમપ્રકાશદાસજી સ્વામી, કોઠારી પાર્ષદવર્ય જાદવજી ભગત, સ.ગુ. પુરાણી દેવકૃષ્ણદાસજી સ્વામી, પુરાણી સ્વામી શ્રીહરિદાસજી સ્વામીનાં માર્ગદર્શન - આજ્ઞા - પ્રેરણાથી ઊજવાઇ રહ્યો છે.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer