ભુજમાં ઇવીએમ-વીવીપેટ માટેનાં ખાસ સંકુલનું લોકાર્પણ

ભુજમાં ઇવીએમ-વીવીપેટ માટેનાં ખાસ સંકુલનું લોકાર્પણ
ભુજ, તા. 20 : ભારતના ચૂંટણીપંચ દ્વારા મતદાન માટે હવે આધુનિક ઇવીએમ અને વીવીપેટનો ઉપયોગ દરેક ચૂંટણી માટે કરવામાં આવતો હોવાથી કચ્છના પાટનગર ભુજ ખાતે આજે ચૂંટણીપંચની માલિકીના જિલ્લાકક્ષાના ઇવીએમ અને વીવીપેટ સાચવવા સમર્પિત વેરહાઉસના નવનિર્મિત ભવનને જિલ્લા કલેક્ટર રેમ્યા મોહનના હસ્તે રિબિન કાપી તકતીનું અનાવરણ કરીને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉદ્ઘાટન સમારોહને સંબોધતાં રેમ્યા મોહને જણાવ્યું હતું કે, કચ્છમાં ઇવીએમ અને વીવીપેટ સાચવવા માટે જરૂરી એવી આ સુવિધા ચૂંટણીપંચ દ્વારા ઊભી કરાતાં સીસીટીવી રેકસ સહિત મશીનોને લોડિંગ અનલોડિંગ કરવા માટે સ્ટ્રોંગ રૂમની બહાર પણ પૂરતા પ્રમાણમાં ખુલ્લી જગ્યા મળી રહેવાથી ચૂંટણી સાથે સંકળાયેલા કર્મચારીઓને હંગામી જગ્યાએ ઇવીએમ-વીવીપેટ સંગ્રહ કરવાની મથામણથી ઘણી રાહત મળશે. જિલ્લા કલેક્ટરે વધુમાં જણાવ્યું હતું કે, વહીવટી તંત્ર માટે ચૂંટણીની કામગીરી ગૌરવરૂપ ગણી શકાય તેવી છે. તંત્રમાં સૌને તેનું ગૌરવ છે. જિલ્લાના ચૂંટણી તંત્ર માટે ભુજ ખાતે જ હવે નવનિર્મિત ભવનના ઉદ્ઘાટન સાથે અલાયદી એવી ઇવીએમ-વીવીપેટ રાખવાની અદ્યતન સુવિધા ઉપલબ્ધ થવા પ્રસંગે અધિકારીઓ અને કર્મચારીઓને તેમણે શુભકામના પાઠવી હતી. ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એમ.કે. જોષીએ પોતે ડેપ્યુટી નાયબ ચૂંટણી અધિકારી હતા ત્યારે દરખાસ્ત મુકાઇ હોવાનું જણાવી આ કામગીરી ખૂબ જ ઓછા સમયમાં પૂર્ણ થવાની સાથે હંગામી વ્યવસ્થામાં ઇવીએમ-વીવીપેટ રાખવાની અગવડનો અંત આવશે તેમ જણાવી હર્ષની લાગણી વ્યક્ત કરી હતી. કાર્યક્રમના પ્રારંભે નાયબ ચૂંટણી અધિકારી એમ.બી. પ્રજાપતિએ વેરહાઉસના નિર્માણ સંબંધેની વિગતો આપતાં જણાવ્યું કે, હવે પછી 23મી મે, 2019ના મતગણતરી પૂર્ણ થતાં ઇવીએમ અને વીવીપેટ આ સ્ટ્રોંગ રૂમમાં વ્યવસ્થિત રાખવામાં આવશે તેમજ હવે ચૂંટણીપંચનો આ કાયમી સ્ટ્રોંગ રૂમ બની જવાથી લાલન કોલેજમાં કે કલેક્ટર કચેરીના બેઝમેન્ટમાં રખાતા હતા તે હવે સંપૂર્ણ ધારાધોરણ સાથે વ્યવસ્થિત ચૂંટણીપંચની ગાઇડલાઇન મુજબ સીસીટીવી કેમેરા સહિત તમામ સુવિધા સાથે રાખી શકાશે, તેમણે પણ સૌને અભિનંદન પાઠવ્યા હતા. ચૂંટણીપંચ દ્વારા દરેક જિલ્લામાં ઇવીએમ-વીવીપેટ સ્ટોરેજ કરવા માટે ચૂંટણીપંચની માલિકીના વેરહાઉસના કરાઇ રહેલા નિર્માણ અંતર્ગત ભુજ ખાતે આ ભવનનું રૂા. 195.44 લાખના ખર્ચે ભુજની નવી મામલતદાર કચેરી પાછળ લિફટની સુવિધા સાથેનું ત્રણ માળનું બિલ્ડિંગ બનાવવામાં આવ્યું છે. આ બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફલોરમાં એક એફએલસી રૂમ, એક ઓફિસ રૂમ તથા ઇવીએમ સ્ટોરેજ હોલ તેમજ ફર્સ્ટ અને સેકન્ડ ફલોર ઉપર બે એફએલસી રૂમ અને ઇવીએમ સ્ટોરજ હોલનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ભવનના પ્રતિ માળે બે હજાર બીયુ, બે હજાર સીયુ તથા બે હજાર વીવીપેટનો સ્ટોરેજ થઇ શકશે. આમ કુલ છ હજાર બીયુ, સીયુ અને વીવીપેટ સંગ્રહ કરવાની ક્ષમતા ભુજના આ ભવનમાં વિકસિત કરવામાં આવી છે. જેમાં દરેક માળે રેકસ, સેલ તેમજ ફર્નિચર સાથેની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે, તે અંગેની વિગતો માર્ગ-મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર કે.આર. પટેલે આપી હતી. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોષી, કચ્છ પશ્ચિમ વિભાગના પોલીસવડા સૌરભ તોલંબિયા, અધિક નિવાસી કલેક્ટર કે.એસ. ઝાલા, ભુજ પ્રાંત આર.જે. જાડેજા, મામલતદાર સુશીલ પરમાર, ચૂંટણી શાખાના મામલતદાર એસ.વી. ચમાર, નાયબ મામલતદારો પી.જી. સોલંકી, પુલિનભાઈ ઠાકર, કાપડીદાદા, એન.આર. પંડયા, અનિલ ત્રિવેદી સહિત મહેસૂલ વિભાગના અધિકારી, કર્મચારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer